જ્યારે પણ કોરોના વાઇરસથી સંક્રમિત હોય તેવી કોઇ વ્યક્તિ ખાંસી ખાય, છીંક ખાય કે વાત કરે, ત્યારે વાઇરસના કણો સંક્રમિત વ્યક્તિના મોં કે નાકમાંથી ફેંકાઇને અન્ય વ્યક્તિના ચહેરા પર પહોંચી શકે છે. તે સૂક્ષ્મ ટીપાં તમે શ્વાસ લો, ત્યારે નાક કે મોં વડે તમારા શરીરમાં પ્રવેશી શકે છે. આ સિવાય આ ટીપાં તમારી આંખો વડે પણ તમારા શરીરમાં દાખલ થઇ શકે છે. આ સિવાય સંક્રમિત થવાવનો અન્ય એક સંભવિત માર્ગ જેના પર વાઇરસ મોજૂદ હોય તેવી વસ્તુ કે સપાટીને (જેમકે, દરવાજાનું હેન્ડલ, ટેબલ કે વાઇરસગ્રસ્ત ફેસ માસ્ક સુદ્ધાં) સ્પર્શ્યા બાદ આંખોને સ્પર્શવાનો છે.
વિશ્વભરના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાવાઇરસના કારણે એક ટકાથી ત્રણ ટકા દર્દીઓને કન્જંક્ટિવાઇટિસ (આંખો આવવી) થઇ શકે છે. કોઇપણ સંક્રમિત વ્યક્તિની આંખોમાંથી નિકળી રહેલા ચીકણા સ્રાવને સ્પર્શવાથી અથવા તો તે સ્રાવ જેના પર મોજૂદ હોય, તેવી ચીજવસ્તુ કે સપાટીને સ્પર્શવાથી વાઇરસ ફેલાઇ શકે છે.
કોરોનાવાઇરસને આંખો વાટે ફેલાતો અટકાવવા માટે આપણે આપણી કેટલીક રોજિંદી ટેવોમાં ફેરફાર કરવો જોઇએ, જેમ કે, જે રીતે આપણે સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ અપનાવ્યો છે, તે જ રીતે આંખો મસળતી વખતે ધ્યાન રાખવું જોઇએ. જો તમને આંખ પર ખંજવાળ આવે કે આંખો મસળવી હોય કે તમારે તમારાં ચશ્માં એડજસ્ટ કરવાં હોય, તો તે માટે આંગળીઓનો કે હાથનો ઉપયોગ કરવાને બદલે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરવો જોઇએ.
ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણી વડે હાથ ધોયા બાદ લુબ્રિકેટિંગ ડ્રોપ્સનો અવાર-નવાર ઉપયોગ કરવો હિતાવહ છે. વારંવાર હાથ ધોતા રહેવાથી અને સેનિટાઇઝેશન કરતા રહેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટી જશે. તમારે જમતાં પહેલાં, રેસ્ટરૂમનો ઉપયોગ કર્યા બાદ, છીંક કે ખાંસી ખાધા બાદ કે નાક સાફ કર્યા બાદ હાથ ધોવા જોઇએ અને બને ત્યાં સુધી ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ.
સામાન્યપણે અન્ય વ્યક્તિઓ કરતાં કોન્ટેક્ટ લેન્સ પહેરનારા લોકો તેમની આંખોનો વધુ સ્પર્શ કરતાં હોવાનું જોવા મળ્યું છે. થોડા સમય માટે લેન્સને બદલે ચશ્માં પહેરવાથી આંખોમાં ખંજવાળ આવતી કે બળતરા થતી અટકી શકે છે. વળી, ખાસ કરીને જો તમે હેલ્થ વર્કર હોવ અથવા તો દર્દીની કાળજી લઇ રહ્યા હોવ, તો ચશ્માં કે સેફ્ટી ગોગલ્સ તમારી સુરક્ષામાં ઉમેરો કરી શકે છે. જોકે, કોરોનાવાઇરસ મોટાભાગે નાકના માર્ગે અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા થકી પ્રસરતો હોવાથી સામાન્ય જનતાએ ફરજિયાત ચશ્માં પહેરવાં જોઇએ કે કેમ, તે સૂચવતી પૂરતી વિગતો ઉપલબ્ધ નથી.