મુંબઈ: સોમવારે શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. ઓપનિંગ દરમિયાન જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 66,800ની પાર ટ્રેડ કરી રહ્યો છે, જે 208.82 પોઈન્ટ અથવા 0.31 ટકા વધ્યો છે. નિફ્ટી 70.05 પોઈન્ટ અથવા 0.35 ટકા વધીને 19,890 પર ટ્રેડ કરી રહ્યો હતો.
માર્કેટમાં તેજી છવાઈ:દિલ્હીમાં યોજાયેલા G20ના સફળ નેતૃત્વ બાદ આજે સોમવારે શેરબજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે ખુલ્યા હતા. 30 મુખ્ય શેરનો સેન્સેક્સ 0.31 ટકા અથવા 206.62 પોઈન્ટ વધીને 66,805.52 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 102.80 પોઈન્ટ વધીને 19,922.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. જે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીના બંધ આંક કરતાં 0.3-0.4 ટકા વધુ છે. ગયા અઠવાડિયે, ભારતીય શેર બે મહિનામાં તેમના શ્રેષ્ઠ સપ્તાહની નોંધણી કરીને ઊંચા સ્તરે સમાપ્ત થયા હતા.
સેન્સેક્સના 27 શેરો વધ્યા: સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 27 નફામાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં એસબીઆઈ, મારુતિ, ટીસીએસ, વિપ્રો, એશિયન પેઇન્ટ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, એટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, JSW, સ્ટીલ, બજાજ ફિન્સનો સમાવેશ થાય છે. આ બધામાં સૌથી મોટો ઉછાળો HCLના શેરમાં છે, તેનો શેર 1.26 ટકાના વધારા સાથે 1277.95 પર ટ્રેડ કરી રહ્યો છે.
G20ના આ નિર્ણયોને કારણે માર્કેટમાં તેજી:G-20 લીડર્સ સમિટ ડિક્લેરેશનની સફળતા, ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ રૂટ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સને ભારતની મંજૂરીને કારણે વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારત તરફ વળ્યા છે. રેલ્વે, બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી કંપનીઓ આજની ટોપ ગેનર કંપનીઓ છે. વધુમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ઓગસ્ટ સુધી સતત છઠ્ઠા મહિને ભારતીય શેરબજારોમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા, જેણે બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો. ડેટા દર્શાવે છે કે તેઓએ 2023 માં કુલ 1.31 લાખ કરોડની ઇક્વિટી સંપત્તિ ખરીદી હતી.
- Investing for Short Term: એક વર્ષથી ઓછા સમય માટે રોકાણ કરવા માંગો છો, તો આજે જ કરો અહીં રોકાણ
- Bank Holiday In September: સપ્ટેમ્બરમાં 16 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસો અને ઝડપથી કામ પૂર્ણ કરો