મુંબઈ :નવેમ્બર માસના પ્રથમ સોમવારે ભારતીય શેરબજારમાં ધરખમ નફો નોંધાયો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં મજબૂત વલણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 595 અને 181 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને તગડો નફો થયો છે.
BSE Sensex : આજે 6 નવેમ્બર સોમવારના ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 595 પોઈન્ટ (0.92 %) ઉછાળા સાથે 64,958 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 472 પોઈન્ટ વધીને 64,835 ના મથાળે ખુલ્યો હતો. વચ્ચે થોડો સમય વેચવાલીના પગલે BSE Sensex 64,617 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહીને 64,992 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે BSE Sensex 64,363 ના મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજે 6 નવેમ્બર સોમવારના રોજ NSE Nifty ગતરોજના 19,230 બંધની સામે 115 પોઈન્ટ વધીને 19,345 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ નિફ્ટી ઈન્ડેક્સ 19,309 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 19,423 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 181 પોઈન્ટના ઉછાળા બાદ 19,411 ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.94 ટકાનો વધારો દર્શાવે છે.