ન્યુઝ ડેસ્ક: યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો (Ukraine Indian Student)ની વાપસી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વિદેશ પ્રધાન સહિત ઉચ્ચ સ્તરીય અમલદારો પણ આમાં સામેલ હતા. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ચાર પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં જશે અને તેઓ ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. યુદ્ધ (War between Russia and Ukraine ) શરૂ થયાને પાંચ દિવસ વીતી ગયા છે અને ભારતીયોની સુરક્ષિત વાપસી માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાનો મોરચો સંભાળશે
પીએમ મોદીની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાર કેન્દ્રીય પ્રધાનો ભારતીયોની વાપસીની જવાબદારી સંભાળશે. આમાં, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરીની દેખરેખ રાખશે. કાયદા પ્રધાન કિરેન રિજિજુ સ્લોવાકિયામાં હાજર રહેશે. જ્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી હંગેરીમાં કામગીરીની દેખરેખ રાખશે અને માર્ગ પરિવહન મંત્રાલયના રાજ્ય પ્રધાન જનરલ (નિવૃત્ત) વીકે સિંહ પોલેન્ડમાં સ્થળાંતરનું સંચાલન કરશે.
'ઓપરેશન ગંગા' શરૂ
ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 2400 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આમાં લગભગ 14000 ભારતીય નાગરિકો રોમાનિયા અને હંગેરી થઈને બહાર આવ્યા છે અને અન્ય 1000 લોકોને યુક્રેનથી રોડ માર્ગે બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે, વિદેશ મંત્રાલયે ટ્વિટર પર OpGanga હેલ્પલાઇન નામનું એક એકાઉન્ટ બનાવ્યું છે, જેના દ્વારા લોકો મદદ મેળવી શકે છે. સોમવારે 6ઠ્ઠી ફ્લાઇટ (Total 6 flights reached India) 249 લોકોને લઈને દિલ્હી પહોંચી હતી.