નવી દિલ્હી : શ્રીનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ બલવાલની તેમના પેરેન્ટ કેડર મણિપુરમાં બદલી કરવામાં આવી છે. જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી પરિસ્થિતિ તંગ છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર બલવાલને અરુણાચલ પ્રદેશ- ગોવા -મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો (કેડર)માંથી તેમના મૂળ રાજ્યમાં સમય પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
રાકેશ બલવાલનો પરિચય : મણિપુર કેડરના 2012 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારીએ 2021 માં શ્રીનગરના એસએસપી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે પહેલા રાકેશ બલવાલ ડેપ્યુટેશનના આધારે સાડા ત્રણ વર્ષ સુધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ( NIA )માં પોલીસ અધિક્ષક હતા. તે 2019ના પુલવામા આતંકી હુમલાની તપાસ કરી રહેલી ટીમનો પણ ભાગ હતાં. આ હુમલામાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયાં હતાં.
અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત : અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચને પગલે 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
ત્રણ દિવસથી હિંસાનો માહોલ : મેઇતેઈ સમુદાયના લોકો મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન એન બિરેનસિંહેે બે યુવાનોના અપહરણ અને હત્યા માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે.
ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો : ઈમ્ફાલ પૂર્વ અને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં સુરક્ષા દળોએ હિંસક વિરોધ પ્રદર્શનનો સામનો કરતા ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મંગળવારથી અત્યાર સુધીના આ પ્રદર્શનોમાં 65 વિરોધીઓ ઘાયલ થયા છે.
- Manipur Violence Updates: ઈમ્ફાલમાં વકરી રહી છે હિંસા, ડીસી ઓફિસમાં તોડફોડ થઈ અને બે વાહનો સળગાવાયા
- Manipur Violence News: મણિપુર સરકારે રાજ્યમાં જપ્ત કરાયેલા હથિયારોનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો
- Manipur Violence News: મણિપુર હિંસામાં અત્યાર સુધી કુલ 175 લોકોના મોત, 1100થી વધુ લોકો ઘાયલ