- જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન
- સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- ઘટનામાં એક જવાન ઘાયલ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકો અને શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે (White Knight Corps) આ માહિતી આપી હતી.
LOC પર સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
અંગે વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવાર અને બુધવારની રાત્રે બની હતી. જ્યારે દાદલ (Dadal)ગામે સર્ચ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે, આંતકીઓ અંગે માહિતી મળ્યા બાદ, મંગળવારે સાંજે નિયંત્રણ રેખાની પાસે આવેલા એક ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને બંને તરફથી ફાયરિંગ થતા સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. હાલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.હાલમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થળ ઉપર વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને ઠાર કરવાનો પ્રયાસો ચાલુ છે.