- ગઈકાલે દેશભરમાં 3 લાખ 15 હજાર નવા કોરોનાના કેસ આવ્યા
- કેન્દ્રીય હોસ્પિટલોમાં 7,000 બેડ વધારવાની માંગ કરી
- દિલ્હીમાં ઑક્સિજનનું ઉત્પાદન થતું નથી, સપ્લાય અન્ય રાજ્યોમાંથી આવે
નવી દિલ્હી :કોરોનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોરોના કેસ ફક્ત દિલ્હી જ નહિ પરંતુ દેશમાં પણ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગઈકાલે દેશભરમાં 3 લાખ 15 હજાર નવા કેસ આવ્યા હતા. આ આજ સુધીની સૌથી મોટી સંખ્યા છે. કોરોના પથારીની અછત અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ICU બેડની સમસ્યા છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે અને આશા છે કે, ટૂંક સમયમાં તેઓ અમને 700-800 જેટલા બેડ આપશે.
કેન્દ્ર પાસે 7,000 બેડ વધારવાની માંગ કરી
આરોગ્યપ્રધાને કહ્યું કે, દિલ્હી સરકારે કેન્દ્રથી કેન્દ્રીય હોસ્પિટલોમાં 7,000 બેડ વધારવાની માંગ કરી છે. અત્યારે તેઓએ 2,000ની આસપાસ બેડ આપ્યા છે. તેમણે કહ્યું કે, જો અમને બે-ત્રણ અઠવાડિયા સુધી ઘણા બધા બેડ મળી જાય તો પણ દિલ્હીનું કામ થઈ જશે. સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, મેકશિફ્ટ હોસ્પિટલમાં પણ પથારી વધારવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા 3 દિવસથી ઑક્સિજનની અછત છે. ગઈકાલથી કેન્દ્ર સરકારે ક્વોટા વધાર્યો છે.
આ પણ વાંચો : એલએમઓ લાવવા ઑક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમ પહોંચી
દિલ્હીનો ક્વોટા કેન્દ્ર સરકાર દ્વારા વધારીને 480 કરવામાં આવ્યો
સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીનો ક્વોટા ઓછો હતો. તેમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. અત્યારસુધી દિલ્હીનો ક્વોટા 378 ટન હતો. જે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા વધારીને 480 કરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે, અમે ઑક્સિજનની વ્યવસ્થામાં રોકાયેલા હતા. ઘણી હોસ્પિટલોમાં, ઑક્સિજન લગભગ ખાલી થઈ ગયું હતું. દરેક જગ્યાએ થોડી થોડી સપ્લાય થઇ છે, જો ઓક્સિજનની કટોકટી એક કે બે દિવસમાં સમાપ્ત થાય, તો મોટી સંખ્યામાં બેડ હશે.
ટ્રક આવી શક્યો નહિ તેથી ગંભીર સમસ્યા સર્જાઇ
નાની હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં ઑક્સિજનના સપ્લાય અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં ઑક્સિજનનું ઉત્પાદન થતું નથી, સપ્લાય અન્ય રાજ્યોમાંથી આવે છે અને કેટલાક રિટેલરો દ્વારા થાય છે. પરંતુ 378 ટન પણ હતું, જે ગઈકાલે પૂર્ણ થઇ ગયું. કેટલાક રાજ્યોમાં સમસ્યા થઇ હતી, ત્યાંથી ટ્રક આવી શક્યો નહિ, જેથી ગઈકાલે એક ગંભીર સમસ્યા સર્જાઇ હતી.
જેમ માંગ વધે તેમ સપ્લાય વધારવો જોઇએ
ઓક્સિજન ક્વોટામાં વધારો થયો છે કે, કેમ તે અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે કહ્યું છે કે, તે ગતિશીલ રહેશે, જેમ-જેમ માંગ વધશે તેમ, સપ્લાય વધારવો જોઇએ. ગઈકાલે રાત્રે કોર્ટે આ આદેશ આપ્યો હતો. હું કોર્ટનો આભાર માનું છું. ગઈરાત્રે ઘણી સપ્લાય કરવામાં આવી હતી. આજે લાગે છે કે, સપ્લાય ચાલૂ રહેશે.