સ્થાનિક બજારનો રેકોર્ડ બ્રેકિંગ બિઝનેસ નવી દિલ્હી : આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન દેશભરના સ્થાનિક બજારોમાં 3.75 લાખ કરોડ રૂપિયાથી વધુનો રેકોર્ડ બ્રેક બિઝનેસ થયો હતો. હાલ ભારતીય માલસામાનની ભરપૂર ખરીદી થઈ રહી છે. જ્યારે ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા અને તુલસી વિવાહના તહેવારો હજુ બાકી છે. ત્યારે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો વધુ બિઝનેસ થવાની સંભાવના છે.
ચીની બજારનું સુરસુરિયું : CAIT રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયાએ કહ્યું કે, આ વખતે દિવાળીના તહેવાર પર ચીનના બિઝનેસમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે. અગાઉ દિવાળીના તહેવારો દરમિયાન લગભગ 70 % ચીનમાં બનેલી ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હતી. જ્યારે આ વર્ષે દેશના કોઈપણ ઉદ્યોગપતિએ દિવાળી સંબંધિત કોઈ ચીજવસ્તુ ચીનથી આયાત કરી નથી.
ભારતીય ઉત્પાદન-સૌનો ઉસ્તાદ ઝુંબેશ : કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ આ દિવાળીએ દેશભરમાં ભારતીય ઉત્પાદન–સૌનો ઉસ્તાદ ઝુંબેશ શરૂ કરી હતી, જે અત્યંત સફળ રહી છે. આ ઝુંબેશને દેશભરના ગ્રાહકો તરફથી ખૂબ સારું સમર્થન મળ્યું છે. ઉપરાંત આ દિવાળીએ પેકિંગ વ્યવસાયને પણ દેશભરમાં મોટું બજાર મળ્યું છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને સ્વનિર્ભર ભારત અભિયાનની અસર છે.
આત્મનિર્ભર ભારતની અસર : ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને દિવાળી પર સ્થાનિક બજારમાં બનાવેલ સામાન ખરીદવાની હાકલ કરી હતી. દેશના તમામ શહેરોના સ્થાનિક ઉત્પાદકો, કારીગરો અને કલાકારો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. જેના કારણે દિવાળીના તહેવાર નિમિત્તે દેશ અને દુનિયાને આત્મનિર્ભર ભારતની અનોખી ઝાંખી બતાવવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન વિવિધ વસ્તુઓની ખરીદી :
બી.સી. ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર અંદાજે રૂ. 3.5 લાખ કરોડના તહેવારના બિઝનેસમાં ગ્રાહકો દ્વારા ઓટોમોબાઇલ, હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ, રમકડાં સહિતની ઘણી વસ્તુ અને સર્વિસ પર ખર્ચ કરવામાં આવ્યો હતો.
- 13 % ખોરાક અને કરિયાણાની ખરીદી
- 9% જ્વેલરીની ખરીદી
- 12 % કપડાં અને વસ્ત્રોની ખરીદી
- 4 % સૂકામેવા, મીઠાઈની ખરીદી
- 3 % ઘર સજાવટની વસ્તુઓની ખરીદી
- 6 % સૌંદર્ય પ્રસાધનોની ખરીદી
- 8 % ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલની ખરીદી
- 3 % પૂજા સામગ્રીની ખરીદી
- 3 % વાસણો અને રસોડાના સાધનોની ખરીદી
- 2 % કન્ફેક્શનરી અને બેકરીની ખરીદી
- 8 % ભેટ વસ્તુઓની ખરીદી
- 4 % ફર્નિશિંગ અને ફર્નિચરની ખરીદી
- 20 % અન્ય ચીજ વસ્તુઓની ખરીદી
- Diwali 2023: ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની 8X12 સ્કેવર ફિટની આબેહુબ રંગોળી બનાવાઈ, જે બની રહી છે આકર્ષણનું કેન્દ્ર
- Diwali 2023: હાટડી ભરી રાજાધિરાજ રણછોડરાયજી બન્યા વેપારી, શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી