કોલકાતાઃ ઈડી દ્વારા રાશન કૌભાંડમાં પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિય મલિકના ઘરે દરોડા પાડ્યા છે. આ કૌભાંડમાં કરોડો રુપિયાના રાશનનું ખોટી રીતે વિતરણ કરવામાં આવ્યાનો આરોપ છે. ગુરુવારે સવારે પશ્ચિમ બંગાળના પ્રધાન મલિકના ઘરે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ઈડીના અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઈડીની રેડમાં કેન્દ્રીય દળો પણ સામેલ હતા. કોલકાતાના સોલ્ટ વિસ્તારમાં મલિકના બે ફ્લેટ પર રેડ કરવામાં આવી છે. મલિક રાજ્ય સરકારમાં વન પ્રધાન છે.
ખાદ્ય પ્રધાન હતા ત્યારે કૌભાંડઃ મલિક જ્યારે ખાદ્ય પ્રધાન હતા ત્યારે તેમના એક પૂર્વ અંગત સહાયકના ઘરે અને અન્ય આઠ ફ્લેટો પર તપાસ થઈ હતી. ઈડીના અધિકારીએ પીટીઆઈ વીડિયોને કહ્યું કે દરોડા દરમિયાન પ્રધાન સ્થળ પર હાજર નહતા. તેઓ પછીથી આવ્યા. પ્રધાનનો ફોન કબ્જે કરવામાં આવ્યો છે. રેડની અંદર આઠ અધિકારીઓ સામેલ છે.