- 20 દિવસ પહેલા ટિકૈતે કોઈ મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે તેવું કહ્યું હતું
- ભાજપ પર હિંદુ-મુસ્લિમ કરીને ચૂંટણી જીતવા માંગતી હોવાનો લગાવ્યો હતો આરોપ
- ટિકૈતે સરકારી નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા
હિસાર/લખનૌ: ઘણા મહિનાઓથી કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લગભગ 20 દિવસ પહેલા ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. હરિયાણાના સિરસામાં ટિકૈતે કહ્યું હતું કે, બીજેપીથી વધુ ખતરનાક કોઈ પાર્ટી નથી. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, યુપીમાં ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે.
યુપી ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા કરવામાં આવશે
હરિયાણાના સિરસા ખાતે ખેડૂત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. ટિકૈતે કહ્યું હતું કે, યુપી ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આમનાથી (ભાજપ-આરએસએસ) બચીને રહેવું અને તેઓ કોઈ મોટા હિંદુ નેતાની હત્યા કરીને દેશમાં હિંદુ-મુસ્લિમ કરીને ચૂંટણી જીતવા માંગે છે.
દેશ પર સરકારી તાલીબાનીઓનો કબજો
ખેડૂત નેતા ટિકૈતે કહ્યું હતું કે, બીજેપીથી ખતરનાક કોઈ બીજી પાર્ટી નથી, જે લોકોએ બીજેપી બનાવી હતી આજે એ નેતાઓને પણ ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. ટિકૈતે કહ્યું હતું કે, આ દેશ પર સરકારી તાલીબાનીઓનો કબજો થઈ ચૂક્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે જે SDMએ ખેડૂતો પર લાકડીઓ ચલાવરાવી તેનો કાકો RSSમાં મોટા પદ પર છે. આ સરકારી તાલીબાનીઓનો પહેલો કમાન્ડર કરનાલમાં મળી ચૂક્યો છે. જો તેઓ અમને ખાલિસ્તાની કહશે તો અમે તેમને તાલિબાની કહીશું.