- હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા
- કોંગ્રેસના નેતાઓ ચોખરા ફાર્મ ખાતે ખેડૂત નિવાસ સ્થાને પહોંચ્યા હતા
- હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા
લખીમપુર ખેરી: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સૌપ્રથમ પાલિયા તહસીલ પહોંચ્યું હતું, અને ખેડૂત લવપ્રીત સિંહના પરિવારને મળ્યું હતું, જે ચાર ખેડૂતોમાં માર્યા ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કહ્યું કે, તે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળી હતી અને તેમણે માત્ર એક જ વાત કહી હતી કે તેમને વળતરની ચિંતા નથી. તે ન્યાય ઈચ્છે છે. જ્યાં સુધી પ્રધાન (ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા) રાજીનામું ન આપે ત્યાં સુધી ન્યાય આપી શકાતો નથી. કારણ કે તેમના વિના નિષ્પક્ષ તપાસ થઈ શકતી નથી.
આશિષ મિશ્રાની ધરપકડ કરવાની પ્રિયંકાએ માંગ કરી
મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ ન કરવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે આપણે FIR વગર અને કોઈ આદેશ વગર ધરપકડ કરી શકીએ છીએ, તો પછી આપણે ગુનેગારોની ધરપકડ કેમ નથી કરતા? આ દરમિયાન, રાહુલ ગાંધીએ લવપ્રીતના પરિવારને મળ્યા બાદ ટ્વિટ કર્યું કે, તેમણે શહીદ લવપ્રીતના પરિવાર સાથે તેમનું દુ:ખ શેર કર્યું છે, પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે. લવપ્રીત, તમારું બલિદાન ભૂલશો નહીં.
રાહુલ અને પ્રિયંકાએ લવપ્રીતના સંબંધીઓને ગળે લગાવી સાંત્વના આપી
કોંગ્રેસના નેતાઓ ચોખરા ફાર્મ ખાતે ખેડૂત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે શોકગ્રસ્ત પરિવાર સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રાહુલ અને પ્રિયંકાએ લવપ્રીતના સંબંધીઓને ગળે લગાવી સાંત્વના આપી હતી. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યપ્રઘાન ચરણજીત સિંહ ચન્ની પણ સામેલ હતા. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડા પણ સામેલ હતા.
હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા
રાહુલ અને પ્રિયંકાએ હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા હતા. જે બાદ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પત્રકાર રમણ કશ્યપના પરિવારને મળવા માટે નિખાસન, લખીમપુર ખેરી પહોંચ્યા. કશ્યમના પિતાએ કહ્યું કે, તે કાર દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો અને જો સરકારે કલાકો સુધી ગુનાહિત બેદરકારી દાખવી ન હોત તો તેનો જીવ બચી શક્યો હોત.