- નવજોત સિંહ સિદ્ધુ [કોંગ્રેસ]
નવજોત સિધ્ધુ (Punjab Election 2022 Vip Candidate) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી 51 ટેસ્ટ અને 136 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો રાઈટી બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાનુ કૌશલ્ય પુરવાર કરી ચુક્યા છે.
ક્રિકેટર તરીકે તેઓ 1983થી 1999 સુધી સક્રિય રહ્યા. હાલમાં તેઓ લોકસભાના સાંસદ તરીકે કાર્યભાર સંભાળે છે. તેઓ ટેલીવિઝનના પડદા પર પણ હાસ્ય કલાકારોના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પોતાનું યોગદાન કરતા પણ જોવા મળે છે.
રાજકીય કારકિર્દી:
2004 અને 2009માં ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટાયા
2014માં અમૃતસરથી ટિકિટ કેન્સલ થતાં તેઓ રોષે ભરાયા હતા.
ભાજપે તેમને 2016માં રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા
2017માં નારાજ સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા હતા.
આ બાદ અમૃતસર પૂર્વમાંથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને કેપ્ટનની સરકારમાં પ્રધાન બન્યા
2019માં કેપ્ટન સાથેના વિવાદ બાદ સિદ્ધુએ પંજાબના કેબિનેટ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું
કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યપ્રધાન ચન્નીથી સતત ઘેરાયેલા
તેમની સામે અમૃતસર પૂર્વ વિધાનસભા બેઠક પરથી બિક્રમજીત સિંહ મજીઠિયા ચૂંટણી લડી રહ્યા છે
- કેપ્ટન અમરિન્દર સિંહ (પંજાબ લોક કોંગ્રેસ)
અમરિન્દર સિંહ એક ભારતીય રાજકારણી, લશ્કરી ઇતિહાસકાર, લેખક, ભૂતપૂર્વ રાજવી અને ભૂતપૂર્વ પીઢ સૈનિક છે, જેમણે પંજાબના 15મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. પટિયાલાથી વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા. તેઓ અગાઉ 2002થી 2007 દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પટિયાલા રજવાડાના છેલ્લા મહારાજા હતા. તેમણે 1963થી 1966 દરમિયાન ભારતીય સેનામાં પણ સેવા આપી છે. 1980માં, તેમણે પ્રથમ વખત લોકસભાની બેઠક જીતી. ફેબ્રુઆરી 2021 સુધીમાં, સિંઘ પંજાબ ઉર્દૂ એકેડમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. કેપ્ટન સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.
અમરિન્દર સિંહનો જન્મ 11 માર્ચ 1942ના રોજ પટિયાલા શહેરમાં સિદ્ધુ કુળના શાહી પંજાબી જાટ શીખ પરિવારમાં થયો હતો. માતા-પિતા મહારાજા સર યાદવીન્દ્ર સિંહ અને પટિયાલાના મહારાણી મોહિન્દર કૌર છે. અમરિન્દર સિંઘનો પરિવાર ફુલ્કિયન વંશનો છે. તેમને એક પુત્ર રાનીન્દર સિંહ અને એક પુત્રી જય ઈન્દર કૌર છે. તેમની પત્ની, પ્રનીત કૌરે સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી અને 2009થી ઓક્ટોબર 2012 સુધી વિદેશ મંત્રાલયમાં રાજ્યપ્રધાન હતા.
તેમની મોટી બહેન હેમિન્દર કૌરના લગ્ન ભૂતપૂર્વ વિદેશપ્રધાન કે. નટવર સિંહ સાથે થયા છે. તેઓ શિરોમણી અકાલી દળના સુપ્રીમો અને ભૂતપૂર્વ IPS ઓફિસર સિમરનજીત સિંહ માન સાથે પણ સંબંધિત છે. માનની પત્ની અને અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌર બહેનો છે.
રાજકીય કારકિર્દી:
કેપ્ટન બે વખત પંજાબના મુખ્યપ્રધાન અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2002 થી 2007 દરમિયાન પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા
2017માં બીજી વખત મુખ્યપ્રધાન બન્યા, પરંતુ સપ્ટેમ્બર 2021માં રાજીનામું આપવું પડ્યું
1980માં પહેલીવાર તેઓ કોંગ્રેસની ટિકિટ પર પટિયાલાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
1984માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અકાલી દળમાં જોડાયા
1985માં સાબોથી ચૂંટણી જીતીને તલવાન્ડો સુબાથી પ્રધાન બન્યા
1992, 2002, 2012, 2017માં પણ ધારાસભ્ય બન્યા
2014માં તેમણે અરુણ જેટલીને હરાવીને અમૃતસરથી ચૂંટણી જીતી હતી
રાજકારણમાં આવતા પહેલા તેઓ 1963 થી 66 સુધી ભારતીય સેનામાં કેપ્ટન હતા
- ભગવંત માન [આમ આદમી પાર્ટી]
ભગવંત માન પંજાબના પ્રખ્યાત વ્યંગકાર અને રાજકારણી છે. તેઓ પંજાબના સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી સત્તરમી લોકસભાના ચૂંટાયેલા સભ્ય છે. આ પહેલા તેઓ 2014ની ચૂંટણીમાં આ જ ક્ષેત્રમાંથી 16મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય છે. તેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મનપ્રીત સિંહ બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટીથી કરી હતી, પરંતુ બાદમાં મનપ્રીત કોંગ્રેસમાં જોડાયા અને ભગવંત આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ભગવંતનો જન્મ પંજાબના સંગરુર જિલ્લાના સતુજ ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. ભગવંત માને પ્રાથમિક શિક્ષણ ચીમા ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ભગવંત માને શહીદ ઉધમ સિંહ મહા વિદ્યાલય, સુનમમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
રાજકીય કારકિર્દી:
ભગવંત 2014થી સંગરુરથી લોકસભાના સભ્ય છે
AAPમાં જોડાતા પહેલા માન પીપલ્સ પાર્ટી ઓફ પંજાબના સભ્ય હતા
2012 માં, ભગવંત માન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર લહેરાગાગા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
2017ની ચૂંટણીમાં ભગવંત માન જલાલાબાદથી સુખબીર બાદલ સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
- બિક્રમ સિંહ મજીઠિયા [ શિરોમણી અકાલી દળ ]
બિક્રમ સિંહ મજીઠિયા એક ભારતીય રાજકારણી છે અને પંજાબ સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન છે. તેમણે મજીઠિયા મતવિસ્તારમાંથી 2007ની પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતી અને 2012 અને 2017માં ફરી જીત્યા. તે શિરોમણી અકાલી દળના છે અને તેની યુવા પાંખ, યુવા અકાલી દળના પ્રમુખ છે.
મજીઠિયાનો જન્મ 1976માં જાટ શીખ પરિવારમાં થયો હતો. લૉરેન્સ સ્કૂલ સનાવરમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા સરદાર સત્યજીત સિંહ મજીઠિયા ભૂતપૂર્વ નાયબ સંરક્ષણ પ્રધાન છે. તેમના દાદા સરદાર સુરજીત સિંહ મજીઠિયા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેમના પરદાદા સર સુંદર સિંહ મજીઠિયા પંજાબ સરકારમાં મહેસૂલ પ્રધાન હતા. તેઓ ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલના નાના ભાઈ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલના સાળા છે. બિક્રમે નવેમ્બર 2009માં ગેનીવ ગ્રેવાલ સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો છે.
તેઓ સૌપ્રથમ 2007માં મજીઠા મતવિસ્તારમાંથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ જ મતદારક્ષેત્રમાંથી ફરી જીત્યા. તે પછી તેમને પંજાબ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન, માહિતી અને જનસંપર્ક અને બિનપરંપરાગત ઊર્જાના ભૂતપૂર્વ પ્રધાન છે.
રાજકીય કારકિર્દી:
બિક્રમજીત અકાલી દળના સાંસદ હરસિમરન કૌરના નાના ભાઈ છે
પંજાબના મજીઠીયા 2007થી સતત વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે
2022 તેમની ચોથી ચૂંટણી છે, આ વખતે તેઓ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે
બિક્રમજીત અમૃતસર પૂર્વથી નવજોત સિંહ સિદ્ધુ સામે પણ મેદાનમાં છે.
મજીઠિયા યુવા અકાલી દળના પ્રમુખ છે