- પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જવાબદાર કોણ અભિયાન ( who is responsible campaign ) અંતર્ગત નિશાન સાધ્યું
- માત્ર 11 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે, જ્યારે માત્ર 3 ટકા લોકો જ પૂર્ણ વેક્સિનેશન થઇ શક્યા
- નરેન્દ્ર મોદીના રસીકરણ કાર્યક્રમની જાહેરાત પછીના એક મહિનામાં વેક્સિનેશનમાં 83 ટકાનો ઘટાડો નોંધાયો
ઉત્તર પ્રદેશ : કોંગ્રસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જવાબદાર કોણ અભિયાન ( who is responsible campaign ) અંતર્ગત નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટ મારફતે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 15મી ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે ભાષણ આપતા જણાવ્યું હતું કે, તેમની સરકારે વેક્સિનેશનનો સંપૂર્ણ પ્લાન બનાવી લીધો છે. ભારતના વેક્સિન ઉત્પાદન અને વેક્સિનેશન કાર્યક્રમની વિશાળતાનો ઇતિહાસ જોતા એ વાત સ્વીકારી લેવી સહજ હતી કે, મોદી સરકાર આ કામને સારી રીતે કરશે, કેમ કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ 1948માં ચેન્નાઇમાં વેક્સિન યુનિટ અને 1952માં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ( National Institute of Virology )ની સ્થાપના કરીને ભારતના વેક્સિનેશન કાર્યક્રમને વેગ આપ્યો હતો.
આ પણ વાંચો -દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીર ઈન્જેક્શનની જમાખોરી કરી રહ્યા છેઃ પ્રિયંકા ગાંધી
કોરોના વેક્સિન સામાન્ય લોકોનું જીવન બચાવવાના હથિયારમાંથી વડાપ્રધાનના અંગત પ્રચારનું સાધન બની ગઇ
પ્રિયંકા ગાંધીએ પોતાની પોસ્ટમાં who is responsible campaign અંતર્ગત મોદી સરકારને સવાલ કરતા લખ્યું કે, આપણે સફળતાપૂર્વક અછબડા, પોલિયો વગેરે બિમારીઓને નાબૂદ કરી છે. જે બાદ આગળ વધીને ભારત દુનિયામાં વેક્સિન નિકાસ કરતો દેશ બની ગયો છે અને આજે દુનિયાનો સૌથી વધુ રસી ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. આ ઉપલ્બ્ધિઓ જાણીને દેશ ચિંતામુક્ત હતો કે, ભારતવાસીઓને કોરોના વેક્સિનેશનમાં કોઇ સમસ્યા થશે નહીં, પરંતું વરવી વાસ્તવિકતા તો એ છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના વેક્સિન સામાન્ય લોકોનું જીવન બચાવવાના હથિયારમાંથી વડાપ્રધાનના અંગત પ્રચારનું સાધન બની ગઇ હતી. જે કારણે ભારત કમજોર દેશોની હરોળમાં શામેલ થઇ ગયો છે.
સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારત અન્ય દેશોના વેક્સિનના દાન પર નિર્ભર થઇ ગયો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આજે દુનિયાનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારત અન્ય દેશોના વેક્સિનના દાન પર નિર્ભર થઇ ગયો છે. વેક્સિનેશન મામલે દુનિયાના કમજોર દેશોની યાદીમાં શામેલ થઇ ગયો છે, એવુ કેમ થયું? જવાબદાર કોણ? આજે ભારતની 130 કરોડની વસ્તીના માત્ર 11 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે, જ્યારે માત્ર 3 ટકા લોકો જ પૂર્ણ વેક્સિનેશન થઇ શક્યા છે. જવાબદાર કોણ? નરેન્દ્ર મોદીના રસીકરણ કાર્યક્રમની જાહેરાત પછીના એક મહિનામાં વેક્સિનેશનમાં 83 ટકાનો ઘટાડો નોંધાયો છે. જવાબદાર કોણ? ( who is responsible campaign )
આ પણ વાંચો -પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર પર કટાક્ષ, કહ્યું- સરકાર દુબઈમાં ISI સાથે વાત કરી શકે છે તો વિપક્ષ સાથે કેમ નહીં