નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, તેઓ ડીઝલ વ્હીકલના જીએસટીમાં 10 ટકાનો વધારો કરવાની માંગણી કરશે. આ 10 ટકાનો વધારો પોલ્યુશન ટેક્સના સ્વરૂપમાં હશે. 63મી એન્યુઅલ SIAM કન્વેન્શનમાં તેમણે આ માંગણી વિશે જણાવ્યું હતું. ગડકરી માને છે કે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા પ્રદૂષણને ડામવા માટે આ અત્યંત જરૂરી પગલું છે.
જીએસટી પર 10 ટકાના વધારાની માંગણીઃ ગડકરીએ ડીઝલ વ્હીકલમાં લાગતા જીએસટી પર 10 ટકાના વધારાની માંગણી કરતો પત્ર નાણાંપ્રધાનને આપશે તેમ જણાવ્યું હતું. દેશમાં મોટાભાગના કોમર્શિયલ વ્હીકલ્સ ડીઝલ આધારિત છે. જ્યારે પેસેન્જર વ્હીકલ્સના ઉત્પાદન કર્તા મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડાએ ડીઝલ વ્હીકલ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે.
ડીઝલ વ્હીકલનું ઉત્પાદન ઘટવું જોઈએઃ દેશના વ્હીકલ માર્કેટમાં ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અને વેચાણ અટકે તે અત્યંત આવશ્યક છે. ઈંધણની માંગને પહોંચી વળવા માટે હાનિકારક ડીઝલને બદલે અન્ય ઈંધણને આયાત કરવું જોઈએ. ડીઝલથી થતાં પ્રદુષણને અટકાવવા ડીઝલ વ્હીકલનું ઉત્પાદન અટકવું જોઈએ. તેથી અમે ડીઝલ વ્હીકલના વેચાણ પર 10 ટકા ટેક્સ વધારવાની માંગણી કરી રહ્યા છીએ.