ન્યૂઝ ડેસ્ક- હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સુરક્ષામાં રહેલી ક્ષતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિએ બેઠકની માહિતી આપી
રાષ્ટ્રપતિના ટ્વીટર હેન્ડલ પરથી આ બેઠકની માહિતી આપવામાં આવી હતી. ટ્વિટમાં જણાવ્યા અનુસાર, પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતાં. પીએમે તેમને પંજાબની ઘટના (PM Security Breach ) વિશે સંપૂર્ણ માહિતી આપી. આના પર રાષ્ટ્રપતિએ પીએમની સુરક્ષામાં ગંભીર ખામી પર ચિંતા વ્યક્ત કરી.
શું બન્યું હતું?
નોંધનીય છે કે 5 જાન્યુઆરી બુધવારે પીએમ મોદીએ પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ હવાઈ માર્ગે ભટીંડા પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલાના શહીદ સ્મારક પર પહોંચવાના હતાં, પરંતુ હવામાન ખરાબ થઈ ગયું હતું. જ્યારે હવામાનમાં સુધારો થયો નહીં ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગશે. ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ વડાપ્રધાન કાફલા સાથે માર્ગ પ્રવાસ માટે આગળ વધ્યાં હતાં.