ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજન તેમજ દવાઓની ઉપલબ્ધતા અને અછતની સમીક્ષા કરી

By

Published : May 13, 2021, 9:29 AM IST

દેશમાં કોરોનાની બીજી લહેર ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. હાલમાં દેશભરમાં પ્રાણવાયુ ઓક્સિજન તેમજ દવાઓની અછત સર્જાઈ રહી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ બેઠક યોજીને દેશમાં કોરોનાની સ્થિતિ તેમજ ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને અછતની સમીક્ષા કરી હતી.

  • કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન અને દવાઓની અછત
  • વડાપ્રધાન મોદીએ અછતને લઈને યોજી સમીક્ષા બેઠક
  • કોરોના, ઓક્સિજન તેમજ દવાઓની સ્થિતિથી વાકેફ કરાવાયા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના મહામારીમાં દેશભરમાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને અછતની સમીક્ષા કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન કાર્યાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમાં ઓક્સિજનની માગ 3 ગણી વધી છે. પાછલા કેટલાક અઠવાડિયાઓમાં રેમડેસીવીર સહિતની દવાઓના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ભારતનું ફાર્મા સેક્ટર ખૂબ વાઈબ્રન્ટ છે: વડાપ્રધાન મોદી

બેઠકમાં વડાપ્રધાનને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓની અછતથી વાકેફ કરાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર, રાજ્યોને સારા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રેમડેસીવીર સહિતની દવાઓનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતનું ફાર્મા સેક્ટર ખૂબ વાઈબ્રન્ટ છે અને સરકારના સહયોગ સાથે તમામ દવાઓની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

વડાપ્રધાને દેશભરમાં ઓક્સિજનની સ્થિતિનો તાગ મેળવ્યો

વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને અછતની હાલની પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમાં ઓક્સિજનની માગ 3 ગણી વધી હોવાનું સામે આવ્યું છે. જ્યારબાદ વડાપ્રધાનને રેલ અને વાયુ સેનાના વિમાનો દ્વારા ઓક્સિજનના પરિવહનના અભિયાનની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમને ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સ અને ઓક્સિજનના સિલિન્ડર્સની ખરીદી અને દેશમાં નવા શરૂ કરાયેલા અને આગામી દિવસોમાં શરૂ થનારા ઓક્સિજન પ્લાન્ટ્સની પણ માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details