ગુજરાત

gujarat

By

Published : Oct 17, 2021, 8:10 PM IST

ETV Bharat / bharat

કેરળમાં પૂર અને ભૂસ્ખલન: મૃતકોની સંખ્યા 23 પર પહોંચી, વડાપ્રધાને CM પાસેથી મેળવી જાણકારી

કેરળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અત્યાર સુધી 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી સંખ્યાબંધ લોકો ગુમ થયા હોવાની જાણકારી મળી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યપ્રધાન પિન્નારઈ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિતો પ્રત્યે સંવેદના દાખવી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી કુલ મૃતકોનો આંકડો 23 સુધી પહોંચ્યો છે.

flood and landslide in kerala
flood and landslide in kerala

  • કેરળમાં પૂર અને ભૂસ્ખલનની પ્રક્રિયા હજુ પણ યથાવત
  • અત્યાર સુધીમાં કુલ 23 લોકોના મોત, સંખ્યાબંધ લોકો ગુમ
  • PM મોદીએ કેરળના CM સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

તિરૂવનંતપુરમ: કેરળમાં શનિવારે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં ઘણાબધા લોકો હજુ પણ ગુમ છે. સેના અને NDRF દ્વારા રવિવારે સવારથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યપ્રધાન પિન્નારઈ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિતો પ્રત્યે સંવેદના દાખવીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, કોટ્ટાયમ જિલ્લામાં 8 અને ઈડુક્કી જિલ્લામાં અત્યાર સુધી કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. જોકે, સ્થાનિક મીડિયા અનુસાર કુલ મૃત્યુઆંક 23 સુધી પહોંચ્યો છે.

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમણે કેરળના મુખ્યપ્રધાન પિન્નારઈ વિજયન સાથે વાત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે,' કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન અંગે ચર્ચા કરી. ઈજાગ્રસ્તો અને પીડિતોની સહાયતા માટે અધિકારીઓ સ્થળ પર કામ કરી રહ્યા છે. હું સૌની સુરક્ષા અને ભલાઈ માટે પ્રાર્થના કરું છું.'

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ટ્વીટ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને પૂરથી પ્રભાવિત લોકો પ્રત્યે એકજૂટતા દર્શાવી હતી અને તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું હતું કે,'અમે ભારે વરસાદ અને પૂરને પગલે કેરળના કેટલાક વિસ્તારો પર સતત નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ તમામ લોકોની મદદ માટે સંભવ મદદ કરશે. બચાવ કાર્યો માટે NDRFની ટીમો મોકલી દેવામાં આવી છે.'

ABOUT THE AUTHOR

...view details