વોશિંગ્ટન :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં લોકોની ભાગીદારી તેમજ સામૂહિક પ્રયાસો માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ વિચાર 'ચર્ચા ટેબલથી ડિનર ટેબલ સુધી' પહોંચે છે ત્યારે તે જન ચળવળ બની જાય છે. વડાપ્રધાને શુક્રવારે વિશ્વ નેતાઓને કહ્યું હતું કે, જ્યારે લોકો જાગૃત થાય છે કે રોજિંદા જીવનમાં તેમના નાનામાં નાના પ્રયાસો પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે, ત્યારે પર્યાવરણ પર સકારાત્મક અસર થાય છે.
વિશ્વ બેંક દ્વારા 'મેકિંગ ઈટ પર્સનલ :હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ' વિષય પર આયોજિત કોન્ફરન્સમાં કહ્યું કે, 'દુનિયાભરના લોકો ક્લાઈમેટ ચેન્જ વિશે ઘણું સાંભળે છે. તેમાંના ઘણાને ખૂબ જ અસ્વસ્થતા લાગે છે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ તેની અસર ઘટાડવા શું કરી શકે છે. તેમને સતત અહેસાસ કરાવવામાં આવે છે કે, આમાં માત્ર સરકારો અથવા વૈશ્વિક સંસ્થાઓની ભૂમિકા છે. જો તેઓ જાણશે કે તેઓ પણ યોગદાન આપી શકે છે, તો તેમની બેચેની ક્રિયામાં ફેરવાઈ જશે.
મિશન લાઇફ :ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા શરૂ કરાયેલ 'મિશન લાઇફ'નો ઉલ્લેખ કરતા, વડાપ્રધાને કહ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન સામેની લડાઈને લોકશાહી બનાવવાનો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને વર્લ્ડ બેંકની વાર્ષિક વસંત મીટિંગની બાજુમાં આયોજિત આ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું હતું કે, માત્ર કોન્ફરન્સ રૂમના ટેબલ પર બેસીને ક્લાઈમેટ ચેન્જ સામે લડી શકાય નહીં, પરંતુ આની લડાઈ દરેક ઘરમાંથી લડવી જોઈએ.
ભારતમાં 37 કરોડ એલઇડી બલ્બનું વેચાણ થયું છે :તેમણે કહ્યું, 'જ્યારે કોઈ વિચાર ચર્ચાના ટેબલથી ડિનર ટેબલ સુધી પહોંચે છે, ત્યારે તે એક જન ચળવળ બની જાય છે અને દરેક પરિવાર અને વ્યક્તિ તેનો ભાગ બની જાય છે. તેમના દ્વારા લેવામાં આવેલા નાના-નાના પગલાં પૃથ્વીને મદદ કરવા સાથે આ જન આંદોલનને વેગ આપી શકે છે. PM મોદીએ કહ્યું કે, ભારતના લોકોએ આ મામલે ઘણું કર્યું છે. તેમણે કહ્યું, 'વર્ષોથી, લોકોના પ્રયાસોથી ભારતના ઘણા ભાગોમાં સેક્સ રેશિયોમાં સુધારો થયો છે. લોકોએ મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. નદીઓ હોય, દરિયાકિનારા હોય કે રસ્તા હોય, ભારતના લોકો એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે જાહેર સ્થળોએ ગંદકી ન થાય. મોદીએ કહ્યું કે લોકોએ એલઇડી બલ્બ અપનાવવાના અભિયાનને સફળ બનાવ્યું છે અને ભારતમાં લગભગ 37 કરોડ એલઇડી બલ્બનું વેચાણ થયું છે.