- શું પેગાસસનો ઉપયોગ કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો? સુપ્રીમ કોર્ટ
- કથિત પેગાસસ જાસૂસી કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ
- સુપ્રિમ કોર્ટ દ્વારા 3 સભ્યોની એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી
નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો (Pegasus Snooping SC Verdict) સંભળાવશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે 13 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે તે માત્ર એ જાણવા માંગે છે કે શું કેન્દ્રએ નાગરિકોની કથિત જાસૂસી માટે પેગાસસ સૉફ્ટવેરનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે કે નહીં?
તપાસ કરવા માટે તકનીકી નિષ્ણાત સમિતિની રચના
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રણ સદસ્યોની સમિતિમાં વિશેષજ્ઞોની પસંદગી કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર. વી. રવિન્દ્રન કરશે. અન્ય સદસ્યોમાં આલોક જોશી અને સંદીપ ઓબરોયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સમિતિને તમામ આરોપોની ઉંડાણપૂર્વક તટસ્થ તપાસ કરવા અને કોર્ટ સમક્ષ રિપોર્ટ જમા કરવાનું કહ્યું છે.
શું પેગાસસનો ઉપયોગ કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આગામી થોડા દિવસોમાં આ અંગે પોતાનો આદેશ આપશે. કોર્ટે કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે જો સરકાર ફરીથી વિગતવાર સોગંદનામું આપવા માંગતી હોય તો આ બાબતનો ઉલ્લેખ કરે. ખંડપીઠે કહ્યું હતું કે તે માત્ર કેન્દ્ર પાસેથી જાણવા માંગે છે, જેણે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને વિગતવાર સોગંદનામું રજૂ કરવાની અનિચ્છા વ્યક્ત કરી છે, શું પેગાસસનો ઉપયોગ કથિત રીતે વ્યક્તિઓની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો, શું તે કાયદાકીય રીતે કરવામાં આવ્યો હતો?
કેન્દ્રએ કહ્યું કે તે જાહેર ચર્ચાનો વિષય નથી
પેગાસસ વિવાદમાં ગોપનીયતાના ઉલ્લંઘન અંગે પત્રકારો અને કેટલાક અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તેને રાષ્ટ્રીય સુરક્ષા પર વિગતવાર માહિતીમાં રસ નથી. બીજી તરફ કેન્દ્ર સોફ્ટવેરનો ઉપયોગ થયો કે નહીં તે અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આનાકાની કરતું હતું. કેન્દ્રએ કહ્યું કે તે જાહેર ચર્ચાનો વિષય નથી કે તે "રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં" નથી.
કથિત પેગાસસ જાસૂસી કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ