ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Explained : ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવનાર પેગાસસ સ્પાયવેર શું છે ?

પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware) એ હાલમાં ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી હાલ તેની જ ચર્ચા થઈ રહી છે. આ સ્પાયવેર ખરેખર શું છે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ...

By

Published : Jul 19, 2021, 8:22 PM IST

Pegasus Spyware Explained
Pegasus Spyware Explained

  • ઈઝરાયેલી કંપનીએ જાસૂસી માટે બનાવ્યું છે પેગાસસ સ્પાયવેર
  • કંપની અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચે છે પેગાસસ સ્પાયવેર
  • જાણો શું છે પેગાસસ સ્પાયવેર અને કઈ રીતે થાય છે તેનાથી જાસૂસી

ન્યૂઝ ડેસ્ક : ભારતીય સંસદના મોનસૂન સત્રની શરૂઆત સોમવારે ભારે હોબાળા સાથે થઈ હતી. સત્રની શરૂઆત થતા અગાઉ પેગાસસ સ્પાયવેર દ્વારા થઈ રહેલી જાસૂસીનો એવો મુદ્દો આવી ગયો કે, જેના કારણે ભારતની રાજનીતિમાં હાહાકાર મચી ગયો છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા થાય તે માટે કોંગ્રેસ અડગ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અમને ખબર છે કે તેઓ આપના ફોનમાંથી બધું જ વાંચી રહ્યા છે. આ કહેવા પાછળ તેમનો તાત્પર્ય પેગાસસ દ્વારા જાસૂસી કરાવવાના આરોપો પર હતો.

કઈ રીતે શરૂ થયો વિવાદ ?

એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને રવિવારના રોજ ખુલાસો કર્યો હતો કે, ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી માટેનું સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધારે પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે.

શું છે પેગાસસ સ્પાયવેર ?

પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે. જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી ગોપનીય અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આને સ્પાયવેર કહેવા પાછળનું કારણ એ છે કે, તેને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે. પેગાસસ બનાવનારી કંપની એનએસઓ (NSO) નું કહેવું છે કે, તેઓ આ સ્પાયવેર અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.

કઈ રીતે થાય છે જાસૂસી ?

જો પેગાસસ સ્પાયવેર આપના ફોનમાં આવી ગયો હોય તો તમે 24 કલાક હેકર્સની નજર હેઠળ હશો. તેઓ તમને મળતા મેસેજિસને પણ કોપી કરી શકે છે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોગ્રાફ્સ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની પણ ક્ષમતા છે. જેથી તમારો ફોન જ્યારે પણ આસપાસમાં હોય ત્યારે તમે શું બોલી રહ્યા છો, તે પણ હેકર્સ સાંભળી શકશે. આ સ્પાયવેર માત્ર કોઈ લિંક પર ક્લિક કરવાથી જ નહિં, પરંતુ માત્ર એખ મિસ્ડ કોલથી પણ એક્ટિવ થઈ શકે છે.

શું છે ભારતીય કાયદાઓની જોગવાઈ

ભારતમાં ઈન્ડીયન ટેલિગ્રાફ એક્ટ, 1885ના સેક્શન 5(2) મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે. જો સરકારના પોલીસ કે ઈન્કમ ટેક્સ વિભાગને લાગે કે કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તેઓ ફોન ટેપ કરી શકે છે. આઈટી એક્ટ અંતર્ગત મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના વાયરસ અને સોફ્ટવેર થકી જાસૂસી કરવી ગેરકાયદેસર છે. આ હેકિંગની શ્રેણીમાં આવે છે, જે અપરાધ છે.

ગ્રીક દંતકથાઓમાં છે 'પેગાસસ'નો ઉલ્લેખ

હાલમાં પેગાસસ જાસૂસી માટેના સ્પાયવેર તરીકે અહેવાલોમાં છે, પરંતુ ગ્રીક દંતકથાઓમાં તેનો અર્થ થાય છે દિવ્ય શક્તિથી યુક્ત પાંખો ધરાવતો ઘોડો. ગ્રીક દંતકથાઓમાં પેગાસસના અદ્ભુત કારનામાઓનો ઉલ્લેખ છે. ઈઝરાયેલી કંપનીએ પોતાના સ્પાયવેરનું નામ આ ગ્રીક દંતકથાઓ પરથી જ રાખ્યું છે.

ABOUT THE AUTHOR

...view details