નવી દિલ્હી: 2 સપ્ટેમ્બરના રોજ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોચીમાં INS વિક્રાંતના બોર્ડ પર એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (National Security Advisor Ajit Doval) અને તેમની સુરક્ષા ટીમ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (Popular Front of India) સમગ્ર નેટવર્કને ઉથલાવી પાડવાની યોજના બનાવી રહ્યા હતા. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે, એરક્રાફ્ટ કેરિયરના કમિશનિંગ માટે કોચીની તેમની મુલાકાત દરમિયાન કેરળના પોલીસ અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં PFI સામે કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું.
NSAના કાર્યાલયના સૂત્રોએ શું જણાવ્યું :કોચીથી ડોભાલ મુંબઈ ગયા અને મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓ સાથે ગવર્નર હાઉસમાં આ જ મુદ્દે બેઠક કરી હતી. આ બેઠકોની ગુપ્તતાનું સ્તર દર્શાવે છે કે, ડોભાલ માટે તે કેટલું મહત્વપૂર્ણ છે. NSAના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકો દરમિયાન એ જ ગુપ્તતા જાળવવામાં આવી હતી જે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અથવા ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પહેલા રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યોજના ત્રણ-ચાર મહિના પહેલા ઈસ્લામિક નેતાઓ સાથે ચર્ચા કરીને બનાવવામાં આવી હતી. ગૃહપ્રધાન અમિત શાહના નિર્દેશ પર એનએસએ ડોભાલે સમગ્ર પ્લાનને ગુપ્ત રાખ્યો હતો.