હરિયાણા/રાજસ્થાન :જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં NIA ટીમ દ્વારા હરિયાણા અને રાજસ્થાનમાં 30 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહેલી NIA ટીમે આજે સવારથી રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળોએ દરોડા પાડ્યા છે. શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળ્યા બાદ NIA ટીમે હરિયાણા અને રાજસ્થાનમાં દરોડા પાડ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન NIA ટીમને મહત્વના પુરાવા મળવાની આશા છે.
હરિયાણામાં NIA રેડ :સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ NIA ટીમે હરિયાણાના મહેન્દ્રગઢમાં દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારથી દૌંગડા જાટ, ગુડા, પાથેડા અને ખુડાના ગામમાં NIA રેડ ચાલુ છે. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં NIA દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
રાજસ્થાનમાં NIA રેડ :NIA ટીમે રાજસ્થાનમાં 15 થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા છે. જયપુરના ખાતીપુરા સ્થિત સુંદરનગર ખાતે શૂટર રોહિત રાઠોડના ઘરે એક ટીમ પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં NIA દ્વારા આ કાર્યવાહી અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. આ સાથે બંને શૂટરોના સંપર્કોની પણ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. બંને આરોપી સાથે સતત વાત કરતા તેમના મિત્રો અને અન્ય લોકો પણ NIA ટીમના રડારમાં છે.
શું પુરાવા મળ્યા ? મળતી માહિતી અનુસાર સુખદેવ ગોગામેડીની હત્યા કરનારા શૂટર નીતિન ફૌજી અને રોહિત રાઠોડની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે NIA દરોડા પાડી રહી છે. આવી સ્થિતિમાં NIA ટીમ આગામી દિવસોમાં આ હત્યા સાથે સંકળાયેલા કેટલાક વધુ નામો જાહેર કરીને તેમની ધરપકડ કરે તેવી શક્યતા છે. જોકે હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે દરોડામાં NIA ટીમને કયા પુરાવા મળ્યા છે.
નીતિન ફૌજીના ઘરે NIA રેડ :મળતી માહિતી અનુસાર નીતિન ફૌજીના ઘરે પણ NIA ટીમના દરોડા ચાલી રહ્યા છે. ઉપરાંત નીતિન ફૌજીના સહયોગીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે નીતિન ફૌજી સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો આરોપી છે અને ચંદીગઢથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે નીતિન ફૌજી ?જયપુરમાં 5 ડિસેમ્બરના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતમાંથી ફરાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી. જેમાં હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફૌજીનું નામ સામે આવ્યું હતું. નીતિનના પિતાના જણાવ્યા અનુસાર નીતિન 9 નવેમ્બર 2023 ના રોજ કાર રીપેર કરાવવા માટે મહેન્દ્રગઢ ગયો હતો. ત્યારબાદ નીતિનનો તેના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. નીતિન ફૌજી ચાર-પાંચ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો. તે નવેમ્બર માસમાં રજા પર પોતાના ઘરે આવ્યો હતો.
- સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે રાજકોટ કરણી સેનાએ હત્યારાઓને ફાંસી આપવા માંગ કરી
- જામનગરમાં પડ્યા સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘાં, રાજપૂત સમાજે કરી હત્યારાઓને ફાંસી આપવાની માંગ