મૈસૂર:વય-સંબંધિત બીમારીના પગલે સેવાનિવૃત્ત મેજર જનરલ સી.કે. કરુમબૈયાનું 88 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગુરુવારે મૈસૂર તાલુકાના હેમમનહલ્લી ખાતેના તેમના ફાર્મહાઉસમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી સહિત મોટો પરિવાર છે. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે સીકે કરૂંબૈયાના અંતિમ સંસ્કાર આજે વિજયનગરના સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
ભારતીય સેનામાં વિવિધ પદો પર સેવાઓ આપી દેશસેવામાં વિતાવ્યું જીવન: ડૉ. કરુમબૈયાનો જન્મ 3 ડિસેમ્બર 1936ના રોજ મેદિકેરીમાં સીબી કરિયપ્પાના ઘરે થયો હતો. તેમને ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના નજીકના સંબંધી હોવાનું કહેવાય છે. સેન્ટ્રલ હાઈસ્કૂલ, સરકારી કૉલેજ, મદિકેરીમાંથી શિક્ષણ મેળવ્યા પછી, તેઓ 1957માં ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનમાં જોડાયા. તેમણે મરાઠા લાઇટ ઈન્ફન્ટ્રીની 5મી બટાલિયનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેઓ રાજસ્થાન બોર્ડર પર લડ્યા હતા અને પાકિસ્તાનના ઘણા ગામો કબજે કર્યા હતા.
ભારત સરકાર દ્વારા સન્માન: તેઓ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં હજારો પાકિસ્તાની સૈનિકોની શરણાગતિ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમણે મગુરામાં શસ્ત્રો લઈ જતી 300 પાકિસ્તાની ટ્રકો જપ્ત કરી હતી. તેમની સફળતા બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં, સેનામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને સેના મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ભારતીય સૈન્યમાં વિવિધ પદો પર રહ્યાં: તેમની બટાલિયને નાથુલા, સિક્કિમમાં બ્લેક કેટ ટ્રોફી જીતી હતી. તેમણે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનમાંથી સ્નાતક ઉપાધિ પણ મેળવી હતી. બાદમાં તેઓ બેલગામ અને હિમાચલ પ્રદેશમાં આર્મી સ્કૂલના સ્ટેશન કમાન્ડર અને કેન્ટોનમેન્ટ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. કરુંબૈયાએ લદ્દાખમાં 121 ઈન્ફન્ટ્રી બ્રિગેડ ટીમની કમાન સંભાળી અને વધારાના લશ્કરી સચિવ તરીકે પણ સેવા આપી હતી. ભારતીય સેનામાં 35 વર્ષ સુધી વિવિધ પદો પર સેવા આપ્યા બાદ તેઓ 31 ડિસેમ્બર, 1991ના રોજ સેવાનિવૃત્ત થયા.
- Qatar Case: કતારમાં 8 ભારતીયોનીની સજા મામલે અમે કાયદા ટીમ સાથે સંપર્કમાં છીએઃ વિદેશ મંત્રાલય
- S. Jaishankar News: નેપાલના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સાથે એસ. જયશંકરે મુલાકાત કરી