ચેન્નાઈઃ ભારતના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનનું ગુરૂવારે 98 વર્ષની વયે અવસાન થયું છે. તમિલનાડુના ચેન્નાઈમાં સવારે 11.20 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એમ.એસ. સ્વામીનાથન ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના વરિષ્ઠ વૈજ્ઞાનિક હતા.
એમ.એસ. સ્વામીનાથનનો જન્મઃ ભારતના આ પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિકનો જન્મ 7 ઓગસ્ટ, 1925ના રોજ થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના કુંભકોણમમાં થયો હતો. તેમના પિતા એક સર્જન હતા. તેમણે સમગ્ર જીવન દેશના એગ્રીકલ્ચરને બેસ્ટ બનાવવામાં ખર્ચી કાઢ્યું હતું. તેમણે 1972થી 1979 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરમાં રિસર્ચ ચીફ તરીકે ફરજ બજાવી હતી. એમ.એસ. સ્વામીનાથને દેશમાં પેદા થતી અનાજની જાતો પર ખૂબ જ રિસર્ચ કર્યુ હતું. તેમણે દેશના ગરીબ ખેડૂતો વધુ અનાજ કઈ રીતે પેદા કરી શકે તે માટે જાગૃત કર્યા હતા. ભારત સરકારે તેમના યોગદાન બદલ તેમણે પદ્મભૂષણથી નવાજ્યા હતા.
દેશની સ્થિતિ બદલવામાં યોગદાનઃ એમ.એસ. સ્વામીનાથને દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે પણ ઓળખવામાં આવે છે. તેમણે બે કેન્દ્રીય કૃષિ પ્રધાનો સાથે કામ કર્યુ હતું. તેઓ જે હરિયાળી ક્રાંતિ લાવ્યા તેના પરિણામે દેશ અનાજની માંગને પહોંચી વળવા સક્ષમ બન્યો. આ હરિયાળી ક્રાંતિને પરિણામે આપણા દેશની દશા અને દિશા બંને બદલાયા. કૃષિ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમણે પદ્મ ભૂષણ તેમજ અન્ય એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
દીકરીની શ્રદ્ધાંજલિઃ સદગત કૃષિ વૈજ્ઞાનિકના દીકરી ડૉ. સૌમ્યા કે જેઓ WHOના પૂર્વ વૈજ્ઞાનિક અને ઉપ મહાનિદેશક રહી ચૂક્યા છે. તેણીએ જણાવ્યું કે મારા પિતાજીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત હતી. તેમણે આજે સવારે વિના કોઈ તકલીફે છેલ્લા શ્વાસ લીધા છે. તેમણે જીવનના અંત સુધી ખેડૂતોના કલ્યાણ અને સમાજના સૌથી છેવાડાના નાગરિકોના ઉત્થાન માટે સતત પ્રયત્નો કર્યા હતા.
અમે ત્રણેય દીકરીઓ તેમના આ વારસાનું જતન કરીશું. મારા પિતાજીએ હંમેશા માન્યું છે કે કૃષિ ક્ષેત્રે મહિલાઓની ઉપેક્ષા થતી આવી છે. તેમણે મહિલા સશક્તિકરણ માટે અનેક પહેલ કરી હતી. તેઓ છઠ્ઠા યોજના આયોગના સભ્ય હતા ત્યારે તેમણે મહિલા ખેડૂતોના ઉત્થાન માટે બહુ પ્રયત્નો કર્યા છે...ડૉ. સૌમ્યા(દીકરી, સ્વ. એમ.એસ. સ્વામીનાથન )
- ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ કલામની જન્મજયંતિ નિમિતે ભાજપે શ્રદ્ધાંજલિ અર્પી
- કેટલીક એવી સંસ્થાઓ જેનાથી કરોડો લોકોનું જીવન બદલાયું