ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમારા બાળકોને કોવિડ -19થી સુરક્ષિત રાખો, હિમાચલમાં 2 હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત

નાના પહાડી રાજ્ય હિમાચલમાં પણ બાળકો કોરોના મહામારીથી બચ્યા નથી. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, 10 વર્ષ સુધીના બે હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે, તેમને સાજા થવામાં વધુ સમય લાગતો નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા પરિવારને બાળકોની સંભાળ રાખવા અપીલ કરવામાં આવી છે.

Children infected in Himachal
Children infected in Himachal

By

Published : May 5, 2021, 9:07 PM IST

  • હિમાચલ પ્રદેશમાં 10 વર્ષ સુધીના લગભગ બે હજાર બાળકો કોરોના સંક્રમિત
  • હિમાચલમાં બાળકો પણ કોરોના મહામારીથી બચ્યા નહીં
  • બાળકો પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં વધુ સંક્રમિત થઈ રહ્યા છે

હિમાચલ પ્રદેશ (સિમલા) : કોરોના વાયરસની બીજી લહેર ફરી એકવાર દુનિયાને જૂની પરિસ્થિતિની નજીક લાવી છે. બાળકો પ્રથમ લહેર કરતા વધુ સંક્રમિત થઈ રહ્યા છે. આ વખતે બાળકોમાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે. નાના પહાડી રાજ્ય હિમાચલમાં બાળકો પણ કોરોના મહામારીથી બચ્યા નથી. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, 10 વર્ષ સુધીના લગભગ બે હજાર બાળકો કોરોના સંક્રમિત થયા છે. જોકે નિષ્ણાંતો માને છે કે, બાળકોની પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા વધુ હોય છે. એવામાં કોરોના ચેપગ્રસ્ત બાળકો એક કે બે અઠવાડિયામાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવી રહ્યા છે. તેમ છતાં માતાપિતાએ બાળકોના સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી લેવી જોઈએ. તેમજ તેમને કોરોના સંક્રમિત વ્યક્તિ સાથેના સંપર્કથી બચાવવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : લોકડાઉનના સમયગાળામાં મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટની ફેક્ટરી બનાવી

હિમાચલમાં 2025 બાળકો થયા છે સંક્રમિત

હિમાચલ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં 0થી 10 વર્ષની વયના 2025 બાળકો કોરોના સંક્રમિત થયા છે. 11થી 20 વર્ષની વયના 7,441 બાળકોને કોરોનાના લક્ષણો જોવા મળ્યાં છે, જે ચિંતાનું કારણ છે. મોટાભાગના બાળકો સંક્રમિત થાય છે પણ તેઓ માંદા પડતા નથી. આવામાં આ બાળકોથી પુખ્ત વયના લોકોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય છે. બીજી મોટી સમસ્યા એ છે કે તેમની સંભાળ લેતી વખતે, પરિવારના સભ્યોએ પણ ખૂબ કાળજી લેવી પડે છે.

કિશોરવયમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે કોરોના સંક્રમણ

હિમાચલમાં બાળકોની કરતા પુખ્ત વયના લોકોમાં આ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે. 21થી 30 વર્ષની વયના 15,987 યુવાનો કોરોના સંક્રમણથી પ્રભાવિત થયા છે. 31થી 40 વર્ષની વયના 16,184 યુવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડો કોઈપણ વય જૂથમાં સૌથી વધુ છે. 41થી 50 વર્ષની વય જૂથના 14,078 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 51થી 60 વર્ષની વયના 11,345 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 61થી 70 વય જૂથની વાત કરીએ તો 5,951 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 71થી 80 વર્ષની વય જૂથના 2,642 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં 80 વર્ષથી વધુ વયના લોકોમાં સૌથી ઓછી સંખ્યા કોરોના સંક્રમિત થયા છે તે માત્ર 722 છે.

આ પણ વાંચો : કુલ્લુમાં બરફવર્ષાને કારણે 10 રસ્તાઓ બંધ થયા

શિશુઓમાં કોવિડ -19નું સૌથી વધુ જોખમ

એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓમાં મોટા બાળકો કરતાં કોવિડ- 19માં સંક્રમણનું જોખમ વધારે છે. આ તેમની અપરિપક્વ રોગપ્રતિકારક શક્તિ અને નાના વાયુમાર્ગને કારણે છે. જે તેમને વાયરસના શ્વસન સંક્રમણ સાથે શ્વાસની સમસ્યાઓ થવાની સંભાવના વધારે છે. નવજાત શિશુઓ જન્મ સમયે અથવા ડિલિવરી પછી સારસંભાળ રાખનારાના સંપર્કમાં આવવાથી પણ કોવિડ -19 દ્વારા થતા વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

  • કોવિડ -19ના આ લક્ષણો બાળકોમાં હોઈ શકે છે !
  • તાવ અથવા શરદી
  • નાક બંદ થવું અથવા નાક વહેવું
  • ખાંસી, ગળામાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • થાક, માથાનો દુખાવો
  • સ્નાયુમાં દુખાવો અથવા શરીરમાં દુખાવો
  • ઉબકા અથવા ઊલટી
  • ઝાડા, ભૂખ ઓછી લાગવી
  • સ્વાદ અથવા ગંધની ક્ષમતા ઘટી જવી
  • પેટમાં દુખાવો

આ લક્ષણો દેખાય તો ડૉક્ટરની મદદ લ્યો

હિમાચલ આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. રમેશ જણાવે છે કે, બાળકને ચેપ લાગે તો ડૉક્ટરની મદદ લેવી. શક્ય હોય ત્યાં સુધી બાળકને ઘરે અન્ય લોકોથી દૂર રાખો. જો શક્ય હોય તો, પરિવારના સભ્યો માટે અલગ બેડરૂમ અને બાથરૂમની વ્યવસ્થા કરો. જો તમારા બાળકને ગંભીર બીમારી થવાનું જોખમ વધારે હોય તો ડૉક્ટર પરીક્ષણ પર પણ વિચાર કરી શકો છો.

કેન્દ્ર દ્વારા બાળકોની સારવાર માટે નવો પ્રોટોકોલ બહાર પાડ્યો

કોરોના મહામારીના વિસ્ફોટ વચ્ચે કેન્દ્ર સરકારે બાળકોમાં કોરોના સંક્રમણ અને સારવાર માટે એક નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, મોટાભાગના બાળકોમાં સંક્રમણનાં હળવા લક્ષણો હોય છે. કેટલાક બાળકો એવા પણ હોય છે કે, જેને સંક્રમણનાં લક્ષણો નથી. લક્ષણો વગરનાં બાળકોને સારવારની જરૂર હોતી નથી, પરંતુ તેમની આરોગ્ય દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • કેટલાક બાળકો મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત છે. આવા બાળકોને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી શકે છે. આ પ્રકારની અગવડતા અનુભવતા બાળકોને પણ 100.4 ડિગ્રીનો તાવ હોઈ શકે છે.
  • જો બાળકને તાવ આવે છે. તો તેના વજન અને ઉંમર અનુસાર, ડૉકટરો દર 4થી 6 કલાકે પેરાસીટામોલ દવા આપી શકે છે. જો ગળામાં દુખે તો નવશેકા પાણીથી કોગળા કરી શકો છો. શરીરમાં પાણીનો અભાવ ન થાય તે માટે પુષ્કળ પ્રવાહી આપો. હળવા લક્ષણોવાળા કોરોના સંક્રમિત બાળકોને એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી. માતાપિતા પોતાની રીતે બાળકોને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન, રેમડેસીવીર અને ડેક્સામેથાસન વગેરે દવાઓ ન આપે.
  • જો બાળકનું ઓક્સિજન સ્તર 90 ટકા હોય, તો તે સામાન્ય કેટેગરીમાં આવશે. બાળકને બે મહિનાથી ઓછા સમયમાં સંક્રમિત થવાના કિસ્સામાં, શ્વાસ લેવાનો દર, પ્રતિ મિનિટ 60 કરતા ઓછો ન હોવો જોઈએ. 2થી 12 મહિનાના બાળકમાં આ દર 50 કરતા વધુ હોવો જોઈએ. એકથી પાંચ વર્ષની વયના બાળકોમાં, આ દર મિનિટ દીઠ 40 હોવો જોઈએ. એ જ રીતે, 5 વર્ષથી ઉપરના બાળકોમાં શ્વાસ લેવાનો દર, પ્રતિ મિનિટ 30 વખત હોવો જોઈએ.
  • સામાન્ય લક્ષણોવાળા બાળકો ન્યુમોનિયાથી પણ પીડાઈ શકે છે. જોકે કોરોના પરીક્ષણની જરૂર નથી. મધ્યમ લક્ષણોવાળા બાળકોને વિલંબ કર્યા વિના સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
  • બાળકને તાવથી લઈને ઓક્સિજનનું સ્તર માપવું પડશે. પ્રવાહી વધારે પ્રમાણમાં આપવું પડશે. જેથી શરીરમાં પાણીનો અભાવ ન થાય.
  • જો બાળકના ઓક્સિજનનું સ્તર 90 ટકાથી ઓછું હોય તો તેને ગંભીર સંક્રમણ છે. લોહીમાં ઓક્સિજનનો અભાવ તેના હોઠને વાદળી કરી શકે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
  • બેચેની અને ગભરાટ સાથે તે વારંવાર જણાવશે કે તે ઠીક નથી. આ પ્રકારની અગવડતા ધરાવતા બાળકોને છાતીમાં ગંભીર ચેપ લાગી શકે છે. કેટલાક બાળકોમાં, આંચકા સાથે થાકની સમસ્યા પણ હોઈ શકે છે. આવા બાળકોની સારવાર ફક્ત હોસ્પિટલમાં જ શક્ય છે.

હિમાચલમાં કોરોના સંક્રમિતો ઝડપથી સાજા થઈ રહ્યા છે

હિમાચલ પ્રદેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો દર 78 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 83,679 સંક્રમિત સ્વસ્થ થઈને તેમના ઘરે પાછા ફર્યા છે, જેમાં બાળકો પણ શામેલ છે. જોકે કોવિડની બીજી લહેર પ્રથમ લહેર કરતા નોંધપાત્ર રીતે વધુ ભયાનક છે. તેનાથી લડત માટે આરોગ્ય વિભાગે પરીક્ષણ અને રસીકરણ અભિયાનને ઝડપી કર્યું છે. જેથી સમય જતાં કોરોનાના વધતા જતા કેસને નિયંત્રિત કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details