મુંબઈ:સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતા ધારાવી વિસ્તારના કમલા નગરમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ અને નગરપાલિકાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ધારાવી સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ સ્થળે મોટી સંખ્યામાં ઝૂંપડાઓ છે.
વહેલી સવારે લાગી આગ:આ ઝૂંપડપટ્ટીમાં એક લાખ લોકો રહે છે. કમલા નગર ધારાવીમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને તે ખૂબ જ ગીચ છે. અહીં સવારે 4.20 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ થોડી જ વારમાં ખૂબ ફેલાઈ ગઈ હતી. વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. કમલા નગરના રહેવાસીઓએ આગ અંગે મુંબઈ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે: ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાંકડા રસ્તાઓ હોવાના કારણે ફાયર એન્જિનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઝૂંપડા એકબીજાને અડીને હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ લેવલ 3 વધુ તીવ્ર બની રહી હોવાના અહેવાલ બાદ અન્ય ફાયર સ્ટેશનોના ફાયર એન્જિનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. થોડી જ ક્ષણોમાં ફાયરની 12 ગાડીઓ અને 8 વોટર ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.