હૈદરાબાદ:તેલંગાણામાંથી આગની ઘટનાના મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં સોમવારે એક બહુમાળી ગોદામમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. આ ઘટના આજે સવારે 9.35 કલાકે બજારઘાટ વિસ્તારમાં આવેલા ચાર માળની ઇમારતમાં બની હતી. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગમાં વધુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, 21 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી સાતના મોત થયા હતા. હાલ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
કેવી રીતે લાગી આગઃ નામપલ્લીના બજારઘાટ સ્થિત ચાર માળના ગોદામમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજ હતું. સોમવારે સવારે એક કાર રિપેરિંગ માટે ગેરેજમાં આવી હતી. કાર રિપેર કરવામાં આવી રહી હતી ત્યારે આ આગ લાગી હતી. ગેરેજમાં ડીઝલ અને કેમિકલના ડ્રમ પણ હતા, જેના કારણે આગ ફેલાતા એક સેકન્ડ પણ લાગી ન હતી. કાર ગેરેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ ડીઝલ અને કેમિકલના કારણે ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં આખી બિલ્ડીંગમાં આગની પ્રચંડ જ્વાળામાં લપેટાઈ ગઈ હતી.