મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole controversial statement) તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 'હું મોદીને મારી શકું છું અને તેમને ગાળો પણ આપી શકું છું'. નિવેદન પર વધી રહેલા વિવાદને જોતા સ્પષ્ટતા આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નહીં પરંતુ તેમના વિસ્તારના મોદી સરનેમવાળા ગુંડા વિશે વાત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાના પટોલેના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે તેમના વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
નેતાઓ તેમની એક પેઢીને 5 વર્ષમાં સાચવે છે: નાના પટોલે
મહારાષ્ટ્રના (maharashtra congress president nana patole) ભંડારા જિલ્લામાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ માટે પ્રચાર કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકરોની સામે કહ્યું, હું 30 વર્ષથી રાજકારણમાં છું. આ નેતાઓ તેમની એક પેઢીને 5 વર્ષમાં સાચવે છે. હું આટલા વર્ષોથી રાજનીતિ કરી રહ્યો છું પરંતુ મારા નામની શાળા નથી. મેં એક પણ કરાર કર્યો નથી. જે પણ મદદ માંગવા આવ્યો તેને હંમેશા મદદ કરી છે. તેથી હું મોદીને મારી શકું છું અને ગાળો પણ આપી શકું છું. એટલા માટે મોદી પણ અહીં મારા વિરુદ્ધ પ્રચાર કરવા આવ્યા હતા.
'વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાવવો જોઈએ'
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. ભાજપના નેતાઓએ તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભાજપે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે મુખ્યપ્રધાનને થપ્પડના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો હતો, તેથી નાના પટોલે પર પણ વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાવવો જોઈએ.