હૈદરાબાદ : આપણા બંધારણની અંદર એક મજબૂત અને સ્વાયત્ત ન્યાયિક પ્રણાલીની હાજરી સુનિશ્ચિત કરવા માટે જોગવાઈઓ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં " ન્યાયની પહોંચ " ના અધિકારને મૂળભૂત અને અવિભાજ્ય અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સમાજના વંચિત વર્ગને ન્યાય મળી રહે તે માટે ગરીબોને કાનૂની સહાય પૂરી પાડવા સહિત અનેક નવા પગલાં સમય સાથે વિકસિત થતાં રહ્યાં છે. કાનૂની સેવા સત્તામંડળોની શરૂઆત થવાના સંસ્મરણ પ્રતીક તરીકે દર વર્ષે 9મી નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ 1987ના રોજ અધિનિયમ બનાવાયો અને જે 9મી નવેમ્બર 1995ના રોજ અમલમાં આવ્યો. આ દિવસે લોકોને મફત કાનૂની સહાયની ઉપલબ્ધતા વિશે માહિતગાર કરવા માટે દેશભરમાં રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારીઓ દ્વારા કાનૂની જાગૃતિ શિબિરો યોજવામાં આવે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ 39A એ જોગવાઈ કરે છે કે રાજ્ય સુરક્ષિત કરશે કે કાયદાકીય પ્રણાલીનું સંચાલન સમાન તકના આધારે ન્યાયને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને તે તકોની ખાતરી કરવા માટે યોગ્ય કાયદાઓ અથવા યોજનાઓ દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે મફત કાનૂની સહાય પૂરી પાડશે. આર્થિક અથવા અન્ય વિકલાંગતાના કારણે કોઈપણ નાગરિકને ન્યાય મેળવવાનો ઇનકાર કરવામાં આવતો નથી. કલમ 14 અને 22(1) રાજ્ય માટે કાયદા સમક્ષ સમાનતા અને તમામને સમાન તકના આધારે ન્યાયને પ્રોત્સાહન આપતી કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું ફરજિયાત બનાવે છે.
કાનૂની સહાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે બંધારણીય પ્રતિજ્ઞા અક્ષરસ: અને તેમાં વ્યક્ત થતી ભાવનામાં પરિપૂર્ણ થાય અને સમાજના ગરીબ દલિત અને નબળા વર્ગોને સમાન ન્યાય મળે. કાનૂની સહાયની ગેરહાજરીમાં અન્યાય પરિણમી શકે છે અને અન્યાયનું દરેક કાર્ય લોકશાહીના પાયાને કોરી નાખે છે. સૌથી પહેલી કાનૂની સહાય ચળવળ વર્ષ 1851માં થઇ હોવાનું જણાવાય છે જ્યારે ફ્રાન્સમાં ગરીબોને કાનૂની સહાય પૂરી પાડવા માટે કેટલાક કાયદાની રજૂઆત કરવામાં આવી હતી.
બ્રિટનમાં ગરીબો અને જરૂરિયાતમંદોને કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય તરફથી સંગઠિત પ્રયાસોનો ઇતિહાસ ઇસવીસન 1944નો છે. લોર્ડ ચાન્સેલર વિસ્કાઉન્ટ સિમોને કાનૂની સલાહ આપવા માટે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલની સુવિધાઓ વિશે પૂછપરછ કરવા માટે રશક્લિફ સમિતિની નિમણૂક કરી હતી. ગરીબોને અને કાનૂની સલાહની જરૂર હોય તેવી વ્યક્તિઓને રાજ્ય દ્વારા પ્રદાન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે ઇચ્છનીય જણાય તે મુજબ ભલામણો કરવાનો હેતુ હતો. 1952થી ભારત સરકારે કાયદા પ્રધાનો અને કાયદા પંચોની વિવિધ પરિષદોમાં ગરીબો માટે કાનૂની સહાયના પ્રશ્નને લઇચર્ચાઓ શરુ કરીં. આઝાદી પછી ઘણા રાજ્યોએ જરૂરિયાતમંદ લોકો માટે કાનૂની સહાયનો ખ્યાલ રજૂ કર્યો હતો. 1958માં 14મા કાયદા પંચના અહેવાલમાં ગરીબોને સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતના કાનૂની સહાય ચળવળમાં જરૂરી સુધારાઓ પર વિચાર કરવાની જરૂરિયાતને સમજીને NALSA દ્વારા જાહેર રક્ષક પ્રણાલીને અનુરૂપ કાનૂની સેવા વિતરણનું નવું મોડલ 'લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ સિસ્ટમ' ( LADCS ) રજૂ કરવામાં આવ્યું છે. LADCS માં ધારવામાં આવ્યું છે તેમ, આમાં સહાયક પ્રણાલી સાથે વકીલોની સંપૂર્ણ સમયની સંલગ્નતાનો સમાવેશ થાય છે, પૂર્વ ધરપકડ, ધરપકડ અને રિમાન્ડના તબક્કાથી શરૂ કરીને ટ્રાયલ અને અપીલ વગેરેના નિષ્કર્ષ સુધીના દરેક તબક્કે ફોજદારી બાબતોમાં કાયદાકીય સહાયતાના કાર્ય સાથે વિશિષ્ટ રીતે કામ કરે છે.
વર્ષ 2021માં 2જી ઓક્ટોબરથી 14મી નવેમ્બર 2021 સુધી છ સપ્તાહ લાંબી ભારતભરમાં કાનૂની જાગૃતિ અને આઉટરીચ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ડોર-ટુ-ડોર ઝૂંબેશ, કાનૂની જાગૃતિ કાર્યક્રમો, મોબાઇલ વાન દ્વારા જાગૃતિ અને કાનૂની સહાય ક્લિનિક્સ દ્વારા જાગૃતિનો સમાવેશ થાય છે. તેમાં 38 કરોડથી વધુ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અથવા તો તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના અધિકારો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. પસંદ કરેલા 17 જિલ્લાઓ માટે આ કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સિલ સિસ્ટમ પણ રજૂ કરવામાં આવી છે, આમાંથી 13 જિલ્લાઓએ 31મી ડિસેમ્બર 2021 સુધી આ સિસ્ટમ શરૂ કરી દીધી છે. કાનૂની સેવા દિવસ એટલે કે, 9મી નવેમ્બર 2021ના રોજ ( NALSA ) દ્વારા રાષ્ટ્રીયસ્તરની ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનૂની સેવાઓ માટે મોબાઇલ એપ્લિકેશનનું iOS સંસ્કરણ શરૂ કરવામાં આવ્યું હતું અને કાનૂની સહાય માટેની અરજીઓ ફાઇલ કરવા માટેનું ઓનલાઈન પોર્ટલ 10 ભાષાઓમાં સુલભ બનાવવામાં આવ્યું હતું. વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા " ડિજીટલ ટ્રાન્સફોર્મેશન તેના શિખર પર 67,000થી વધુ કાર્યક્રમોનું આયોજન" થયું હતું.
અન્ડર-ટ્રાયલ રિવ્યુ કમિટીએ અન્ડર-ટ્રાયલ કેસોની સ્થિતિની સમીક્ષા કરવા અને તેને અભિમુખ થવાના મિશનના ભાગરુપે પ્રભાવશાળી કહેવાય એવી 10,028 બેઠક કરી હતી. જેમાં કુલ 2,27,344 વ્યક્તિઓએ 1,137 જેલ લીગલ સર્વિસીસ ક્લિનિક્સના સંચાલન દ્વારા કાનૂની સહાય મેળવી હતી. NALSA અને રાષ્ટ્રીય મહિલા આયોગ ( NCW ) વચ્ચેના સહયોગી પ્રોજેક્ટ હેઠળ આયોજિત કાર્યક્રમો દ્વારા 5,33,548 મહિલાઓની નોંધપાત્ર સંખ્યામાં કાનૂની સહાયનો લાભ અપાયો હતો જે " કાનૂની જાગૃતિ દ્વારા મહિલા સશક્તિકરણ "ના મુદ્દે કેન્દ્રિત છે. 31 ડિસેમ્બર 2021 સુધીમાં, સમગ્ર ભારતમાં 12,794 કાનૂની સેવા મંડળ કાર્યરત હતાં, જે કાનૂની સહાય સેવાઓની વ્યાપક પહોંચનું ઉદાહરણ આપે છે.
જ્યારે અમે વિવિધ સ્તરોમાં આ સેવાઓના કાર્યકારી ડેટાનું અવલોકન કર્યું તેમાં રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ( NALSA ), સુપ્રીમ કોર્ટના સ્તરે સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટી ( SCLSC ), 39 હાઇકોર્ટ લીગલ સર્વિસીસ કમિટી ( HCLSCs ), 37 રાજ્ય કાનૂની સેવા મંડળનો સમાવેશ થાય છે. સત્તાધિકારીઓ ( SLSAs ) 673 જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓ ( DLSAs ) 2465 તાલુકાકક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિઓ (TLSCs) છે.
કેરળ કાનૂની સહાય પૂરી પાડવા પર કેન્દ્રિત નીતિ સ્થાપિત કરવા માટે અગ્રેસર રાજ્ય હોવાનું ગૌરવ ધરાવે છે. તેના પગલે તમિલનાડુ અને મહારાષ્ટ્રે પણ વંચિત વ્યક્તિઓને મફત કાનૂની સહાય ઓફર કરવાના હેતુથી યોજનાઓ અમલમાં મૂકી છે. 1973માં આદરણીય જસ્ટિસ વી.આર.ક્રિષ્ના ઐય્યરેની આગેવાની હેઠળ કાનૂની સહાય પર નિષ્ણાત સમિતિએ " પ્રોસેસ્યુઅલ જસ્ટિસ ટુ ધ પુઅર " નામનો અહેવાલ પ્રકાશિત કર્યો. ત્યારબાદ 1977માં જસ્ટિસ પી.એન. ભગવતી અને જસ્ટિસ ક્રિષ્ના ઐય્યરે સંયુક્ત રીતે "નેશનલ જ્યુરિડીકેરઃ ઇક્વલ જસ્ટિસ એન્ડ સોશિયલ જસ્ટિસ" તરીકે ઓળખાતો અહેવાલ રજૂ કર્યો હતો. મફત કાનૂની સહાય પૂરી પાડવાની જરૂરિયાતને માન્યતા આપવા માટે, 1976માં 42માં બંધારણીય સુધારાએ " સમાન ન્યાય અને મફત કાનૂની સહાય " પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો ( DPSP ) અંતર્ગત કલમ 39A દાખલ કરી. 1980માં કાનૂની સહાય યોજનાના અમલીકરણ માટેની સમિતિ ( CILAS )ની અધ્યક્ષતા માનનીય ન્યાયાધીશ પી.એન. ભગવતીએ સમગ્ર દેશમાં કાનૂની સહાયની પહેલની દેખરેખ રાખવાની જવાબદારી સ્વીકારી હતી.
"CILAS એ લોક અદાલતો પણ રજૂ કરી હતી જે વિવાદોના સમાધાન માટે અસરકારક સાધનો સાબિત થઇ છે. આ સંદર્ભમાં સંસદે 1987માં લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ ઘડ્યો હતો. આ કાયદાએ લોક અદાલતોમાં સમાધાન દ્વારા વિવાદના નિરાકરણને માત્ર વૈધાનિક માન્યતા જ આપી નથી પણ ફરજિયાત સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને નિપુણ કાનૂની સેવાઓની જોગવાઈ કરી આપી છે.. આ ઉમદા ઉદ્દેશ્યોને આગળ ધપાવવા માટે 1995માં કાનૂની સેવા સત્તાધિકરણ અધિનિયમ 1987ની કલમ 3 હેઠળ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ( NALSA )ની સ્થાપના કરવામાં આવી હતી.
ભારતની સર્વોચ્ચ અદાલતે હુસૈનઆરા ખાતૂન વિ. બિહાર રાજ્ય (1980) કેસમાં ગરીબ અને નિરાધાર લોકોના હકોની પ્રચંડ પ્રતિજ્ઞા જારી કરવાની મુખ્ય તક ઝડપી લીધી હતી. કલમ 39-A ન્યાયી પ્રક્રિયાના અભિન્ન ઘટક તરીકે મફત કાનૂની સહાયની અનિવાર્યતાને રેખાંકિત કરે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે મફત કાનૂની સહાયનો અધિકાર ગેરંટીમાં કલમ 21માં સ્વાભાવિક રીતે સમાયેલો છે ખત્રી વિ. બિહાર રાજ્યના કેસમાં, અદાલતે આર્થિક રીતે વંચિત પ્રતિવાદીઓને મફત કાનૂની સહાય પૂરી પાડવાની બાબતને નિર્ણાયક રીતે સંબોધિત કરી હતી જેમની પાસે કાનૂની પ્રતિનિધિત્વ શામેલ કરવાના સાધનનો અભાવ હતો. વધુમાં સુક દાસ વિ. કેન્દ્રશાસિત પ્રદેશ અરુણાચલ પ્રદેશ કેસમાં ન્યાયમૂર્તિ પી.એન. ભગવતીએ ભારતીય બંધારણની કલમ 14 અને 22(1) ની જોગવાઈઓ અનુસાર કાયદાકીય જાગૃતિ કેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
લોક અદાલતો અને મધ્યસ્થી દ્વારા અન્ય વિભાવનાઓના પ્રભાવે ભારતીય કાનૂની લેન્ડસ્કેપમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. લોક અદાલતો, જેનો અર્થ જ " લોકો માટેની અદાલતો" થાય છે તેની શરૂઆત ગુજરાતમાં થઈ હતી. 14 માર્ચ 1982ના રોજ જૂનાગઢમાં આયોજિત પ્રથમ લોક અદાલત સાથે શરુ થયેલી આ કાનૂની સેવા હવે દેશભરમાં ફેલાયેલી છે. આજની તારીખમાં પ્રભાવશાળી કહેવાય તેવા 3.26 કરોડ કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોકલવામાં આવ્યા છે, જેના પરિણામે 1.27 કરોડ કેસોનો નિકાલ થઇ ગયો છે. કોવિડ રોગચાળા દરમિયાન લીગલ સર્વિસ ઓથોરિટીઝ (LSAs) એ નવીન રીતે ટેક્નોલોજીનો લાભ લીધો અને ઈ-લોક અદાલતની રજૂઆત કરી હતી જેમાં અસરગ્રસ્ત પક્ષકારો અદાલતના સ્થળે પ્રત્યક્ષ હાજર રહ્યાં વિના તેમના મામલાને ઉકેલી શકે છે. નોંધપાત્ર વિકાસ એ છે કે જાહેર ઉપયોગિતા સેવાઓને સમર્પિત 402 કાયમી લોક અદાલતો સ્થાપાઇ છે જેમાંથી 348 હાલમાં કાર્યરત છે.
અમારું ધ્યાન મધ્યસ્થતા કેન્દ્રો પર ખસેડીએ છીએ ત્યાં ADR કેન્દ્રોને બાદ કરતાં કુલ 465 વૈકલ્પિક વિવાદ નિરાકરણ ( ADR ) કેન્દ્રો અને 572 મધ્યસ્થતા કેન્દ્રો છે. આનાથી મધ્યસ્થી પ્રક્રિયા દ્વારા 52,568 કેસોના નિરાકરણમાં સફળતા મળી છે. આવકની મર્યાદા રાજ્ય સરકારો વધારી શકે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો, વિકલાંગો વગેરેના કિસ્સામાં આવકની મર્યાદા લાગુ પડતી નથી. આ રીતે ભારતીય સંસદે દેશમાં કાનૂની સહાય શક્ય બનાવવા માટે વધુ એક પગલું લીધું છે. વંચિત લોકોમાં તેમના કાનૂની અધિકારો વિશે મર્યાદિત જાગૃતિમાં નોંધપાત્ર પડકાર રહેલો છે. દેશના પાયાના સ્તરથી શરૂ કરીને તેમના મૂળભૂત કાયદાકીય અધિકારો અંગે તેમને શિક્ષણ આપવું હિતાવહ છે. કાનૂની સેવા સત્તાવાળાઓએ વારંવાર કાનૂની જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા માટે તેમના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ એટલું જ નહીં તેના સફળ અમલીકરણની ખાતરી કરવી જોઈએ.
કાનૂની સહાય માટે સ્થાપિત ઉદ્દેશ્યો અને વાસ્તવિક પરિણામો વચ્ચે વધતા જતા અંતરને દૂર કરવા માટે ન્યાયતંત્રના અતૂટ ધ્યાન અને પ્રતિબદ્ધતાની જરૂર છે. સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સામે સામાજિક અને માળખાકીય ભેદભાવને નાબૂદ કરવાના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે કાનૂની સહાયનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. નવા નિયમો ઘડવાને બદલે હાલના કાયદાઓના અસરકારક અને યોગ્ય અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રિ-લિટીગેશન સ્ટેજ પર મામલાઓના નિરાકરણને ઝડપી બનાવવા માટે કાર્યક્ષમ વૈકલ્પિક વિવાદ નિરાકરણ પદ્ધતિઓ રજૂ કરવી આવશ્યક છે જેથી વધુ અપીલની જરૂરિયાત ઓછી થાય.
ADR પ્રક્રિયાઓમાં કાયદાના વિદ્યાર્થીઓને શામેલ કરવાથી કેસોના ઝડપી નિકાલમાં નોંધપાત્ર યોગદાન મળી શકે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળની વધુ ફાળવણી એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે નાણાકીય સાધનોનો અભાવ કાનૂની સલાહની પહોંચને અવરોધે નહીં. કાનૂની સહાયની ગુણવત્તા વધારવા માટે અનુભવી વકીલોને કાનૂની સહાયને ફરજ તરીકે જોઈને કાનૂની સહાય પૂરી પાડવા માટે રોકાયેલા અને પ્રશિક્ષિત હોવા જોઈએ. કાનૂની સમુદાય અને સમાજ બંનેએ આગળ વધવું જોઈએ અને સંવેદનશીલ વસતીની સુખાકારી માટે જવાબદારી લેવી જોઈએ. લોકોના અધિકારો વિશે જાગૃતિ લાવવા અને અસરકારક ન્યાય વિતરણ સુનિશ્ચિત કરવામાં બિનસરકારી સંસ્થાઓની શામેલગીરી અને વધતી જતી ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઘણા વિકસિત દેશો તેમના નાગરિકોને કાયદા અને અધિકારો વિશે શિક્ષિત કરવા માટે બહુવર્ષીય યોજનાઓ ધરાવે છે અને ભારત પણ પંચવર્ષીય યોજના સાથે સમાન અભિગમ અપનાવી શકે છે.
કાનૂની સલાહકારની કામગીરીની દેખરેખ તેમના કામના મૂલ્યાંકનની મંજૂરી આપતા, તેવી સેવા આપતા લોકોના પ્રતિસાદ પર આધારિત હોવી જોઈએ. દરેક વકીલ માટે વ્યાપક પ્રગતિ અહેવાલો આકારણી પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ. સમગ્ર ચર્ચાના નિષ્કર્ષમાં કહી શકાય કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ( NALSA ) ની અસરકારક કામગીરી બહુપક્ષીય અભિગમની માગ કરે છે. જેમાં કાયદાકીય જાગૃતિ અને શિક્ષણ, કાર્યક્ષમ અમલીકરણ, બિનસરકારી સંસ્થાઓ સાથે સહયોગ, પર્યાપ્ત નાણાકીય સંસાધનોની ફાળવણી, ક્ષમતા નિર્માણ, વૈકલ્પિક વિવાદ નિરાકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. વ્યાપક, લાંબા ગાળાની કાનૂની શિક્ષણ યોજનાઓનો વિકાસ પ્રતિસાદ પદ્ધતિઓ દ્વારા જવાબદારી સ્વીકારે છે. આ વ્યૂહરચનાઓને તેના મિશનમાં શામેલ કરીને, NALSA કાનૂની સહાય પૂરી પાડવા, ન્યાયની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોનું સશક્તિકરણ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે.
લેખક : પી. વી. સૈલજા ( આસિસ્ટન્ટ પ્રોફેસર, ડૉ. બી.આર. આંબેડકર લૉ કૉલેજ, હૈદરાબાદ)