- COVAXIN માં વાછરડાના સીરમનો ઉપયોગને લઈને વિવાદ
- કોંગ્રેસ નેતાએ લગાવેલા આરોપો સામે ભાજપના પ્રત્યારોપો
- ભારત બાયોટેક અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયા ખુલાસા
ન્યૂઝ ડેસ્ક : હાલમાં કોરોના પ્રતિરોધક કોવેક્સિન (COVAXIN) ના ઉત્પાદનમાં નવજાત વાછરડામાંથી મળતું સીરમ (Calf Serum) વપરાતું હોવાનો દાવો કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધી દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવો તેમણે એક RTI ના જવાબમાં મળેલા દસ્તાવેજના આધારે ટ્વિટર પર કર્યો હતો. જોકે, તેમના આ ટ્વિટ બાદ રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે અને COVAXIN માં વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ ન થતો હોવાનો ખુલાસો સ્વાસ્થ્ય મંત્રાલય, ભાજપ તેમજ COVAXIN ના ઉત્પાદક ભારત બાયોટેક દ્વારા કરવામાં આવ્યો છે.
કઈ રીતે શરૂ થયો વિવાદ
કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ વિકાસ પટની નામક એક વ્યક્તિ દ્વારા કરાયેલી RTIનો જવાબ ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં વાછરડાના સીરમ (Calf Serum) નો ઉપયોગ વીરો સેલ્સના ઉત્પાદનમાં થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમણે કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે, "RTIના જવાબમાં મોદી સરકારે સ્વિકાર્યું છે કે, કોવેક્સિન (COVAXIN) માં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માહિતી સરકારે અગાઉથી જાહેર કરવી જોઈતી હતી." ટ્વિટ સાથે તેમણે RTI નો જવાબ પણ રજૂ કર્યો હતો. આ ટ્વિટ બાદ જ વેક્સિનના ઉત્પાદનમાં વાછરડાના સીરમ (Calf Serum) ના ઉપયોગ અંગેનો વિવાદ શરૂ થયો હતો.
કોંગ્રેસના આરોપ સામે ભાજપનો પ્રત્યારોપ
કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા આ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને કોવેક્સિન (COVAXIN) માં વાછરડાના સીરમ (Calf Serum) નો નહી પરંતુ વેરોસેલનો જ ઉપયોગ કરાતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે કોંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ગાંધી પરિવારે વેક્સિન લીધી છે કે કેમ? તેઓ તેમની સરકાર આવ્યા બાદ જ વેક્સિન લેશે. કોંગ્રેસને વેસ્ટેજ અને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે.