યોગ અને શિયાળો
ડાયાબિટીસ ધરાવતા લોકોને શિયાળામાં ભારે પડકારનો સામનો કરવો પડે છે. ઠંડા હવામાનની સાથે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી શરીર પર તણાવ સર્જાય છે, જેને કારણે તેમના માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ઊભી થાય છે. પરિણામે, શરીરમાં એડ્રેનલાઇન અને કોર્ટિસોલ જેવા કુદરતી અસ્તિત્વ ટકાવી રાખવાના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આખરે, લિવર ઊર્જા માટે વધુ ગ્લુકોઝ છોડે છે, જેના પરિણામે બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.
જિન્દાલ નેચર ક્યોર ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો. એચ પી ભારતી જણાવે છે, "વર્તમાન સમયમાં ભારતના ૫૦ મિલિયન કરતાં વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને આ આંકડો 2025માં વધીને છ કરોડને પાર થઇ જાય, તેવી શક્યતા છે. આથી, દેશ સામે આ ચિંતાજનક સમસ્યાને નિવારવાનો મોટો પડકાર રહેલો છે. નેચરોપેથિક અભિગમ તથા વર્તણૂંકમાં અમુક ચોક્કસ પ્રકારનો ફેરફાર કરવાથી શિયાળા દરમિયાન ડાયાબિટીસના અસરકારક વ્યવસ્થાપનમાં મદદ મળી શકે છે."
તેઓ નેચરોપથી અને યોગાસનની 10 ટિપ્સ જણાવે છે, જે શિયાળાની ઋતુમાં ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઉપયોગી નીવડી શકે છે.
આહાર
ઋતુ કોઇપણ હોય, ડાયાબિટીસને નિયંત્રિત રાખવા માટે સંતુલિત આહાર અત્યંત મહત્વપૂર્ણ છે. આ માટે, આહારમાં ભરપૂર માત્રામાં શાકભાજી, ફળો, અનાજ, મસૂર, બિન્સ તથા ઓટમિલનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. મીઠાઇ અને ચરબીયુક્ત પદાર્થોનું સેવન ટાળવું જોઇએ. આ ઉપરાંત, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓએ ડ્રાય ફ્રૂટ્સના સેવનથી પણ દૂર રહેવું જોઇએ, કારણ કે તેમાં રહેલું ફ્રુક્ટોસ શરીરમાં સુગર લેવલ વધારી શકે છે.
શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ
વધારાનું ગ્લુકોઝ પેશાબવાટે શરીરમાંથી બહાર નિકળી જાય, તે માટે શરીરને કાયમ હાઇડ્રેટેડ (પ્રવાહીથી યુક્ત) રાખવું જરૂરી છે. અન્ય પીણાં પ્રિઝર્વેટિવ્ઝ અને શર્કરા ધરાવતાં હોવાથી મુખ્યત્વે પાણી પીવાનો જ આગ્રહ રાખવો.
યોગ
યોગની પ્રાચીન પરંપરા શરીર માટે ચમત્કાર સર્જી શકે છે. તે ડાયાબિટીસ ધરાવનારા લોકોને આ બિમારી નિયંત્રિત રાખવામાં તથા સામાન્ય અને આનંદપ્રદ જીવન જીવવામાં મદદ પૂરી પાડે છે. વિજ્ઞાન દર્શાવે છે કે, યોગાસનની આંતરિક સ્નાયુઓ અને અંગોને મરોડતી કેટલીક ચોક્કસ મુદ્રાઓ પેન્ક્રિયાસ અને એન્ડોક્રાઇન સિસ્ટમને ઉદ્દીપ્ત કરે છે. તેના કારણે ઇન્સ્યુલિનનું સ્રવણ થાય છે, જેનાથી શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર નિયંત્રણ હેઠળ રહે છે.
વૈકલ્પિક સારવાર
એક્યુપંક્ચર, ફિઝિયોથેરેપી, હાઇડ્રોથેરેપી વગેરે જેવી વૈકલ્પિક ઉપચારની પદ્ધતિઓ ઘણી બધી રીતે શરીરની સંવાદિતા પુનઃ પ્રસ્થાપિત કરી શકે છે. એક્યુપંક્ચરમાં શરીરના કેટલાક ચોક્કસ પોઇન્ટ્સમાં સોય દાખલ કરવામાં આવે છે. આ પદ્ધતિ વજન ઊતારવામાં, બ્લડ સુગરનું લેવલ નિયંત્રિત કરવામાં તથા ઇન્સ્યુલિન નિયંત્રિત કરવામાં ઉપયોગી નીવડે છે. ફિઝિયોથેરેપી અને હાઇડ્રોથેરેપી વજન ઘટાડવામાં, તણાવનું પ્રમાણ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર નીચું રાખવામાં ઉપયોગી ન્યૂરોલોજિકલ અને મસ્ક્યુલોસ્કેલેટલ કાર્યોને વેગ આપે છે.