નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીર આરક્ષણ સુધારા બિલ અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ પર લોકસભામાં જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન તેઓએ કહ્યું કે, લોકોને ન્યાય આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ વંચિત લોકોને આગળ વધારવા માટે લાવવામાં આવ્યું છે. પરંતુ અમે એ પણ ધ્યાનમાં રાખીએ છીએ કે અમે આદર સાથે અધિકાર આપી રહ્યા છીએ. અમારી સરકાર પછાત લોકોનું દર્દ સમજે છે તેથી જ અમે આ બિલ લાવી રહ્યા છીએ.
તત્કાલીન સરકાર પર પ્રહાર :ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 1980 પછી રાજ્યમાં વધતા આતંકવાદના પ્રભાવને રોકવા માટે કોઈએ ગંભીર પ્રયાસ કર્યા નહીં. જે લોકોની આ રોકવાની જવાબદારી હતી તેઓ લંડનમાં રજાઓ માણી રહ્યા હતા. જો તે સમયે કામ થયું હોત તો કાશ્મીરી પંડિતો વિસ્થાપિત ન થયા હોત. 46 હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા હતા. તેઓ દેશના જુદા જુદા ભાગોમાં રહેવા લાગ્યા. આ બિલ તેમને અધિકાર આપવા માટે છે.
ગૃહપ્રધાનનો દાવો :અમિત શાહે કહ્યું કે, આ બિલ દ્વારા તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. 2019 માં અમારી સરકારે તેમનો અવાજ સાંભળ્યો, જે અગાઉની સરકારો સાંભળતી ન હતી. અગાઉ ન્યાયિક ડિલિમિટેશન બિલ કમિશન લાવવામાં આવ્યું હતું. અમે ડિલિમિટેશનની પ્રક્રિયાને પવિત્ર બનાવી છે. કાશ્મીરી વિસ્થાપિત લોકો માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે. એક સીટ પીઓકેમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે છે.
કશ્મીરમાં પરિવર્તનની લહેર :ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં કહ્યું કે, ST માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે, SC માટે 20 બેઠકો અનામત રાખવામાં આવી છે. 24 સીટો POK માટે છે. નામાંકિત સભ્યોની સંખ્યા પાંચ હશે. 1.6 લાખ લોકોને માઈગ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પછાત વર્ગ આયોગને કાયદાકીય માન્યતા આપી ન હતી. અમારી સરકાર POK થી આવનારાઓને 5.5 લાખ રૂપિયાની એકમ રકમ આપશે. સુપ્રીમ કોર્ટે આ કાયદા પર કોઈ સ્ટે લગાવ્યો ન હતો.
આતંકવાદમાં ઘટાડો : અમિત શાહે દાવો કર્યો કે, આતંકવાદી ગતિવિધિઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હડતાળ અને પથ્થરમારો બંધ થયો. ઉપરાંત પથ્થરમારામાં કોઈ નાગરિક અથવા સુરક્ષા દળોના જવાનોને કોઈ ઈજા કે મોત થયું નથી. આ લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, પરંતુ આવું કંઈ થયું નહીં. ટેરર ફાયનાન્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનમાંથી પૈસા મેળવતા હતા, અમે તે બંધ કરાવી તેમની ઇકો સિસ્ટમનો નાશ કર્યો છે.
જાહેર સુવિધા વધી : રાજ્યમાં જાહેર સુવિધાઓ વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, 30 વર્ષ પછી થિયેટર અને ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. થિયેટર ખોલવા માટે બેંક લોન માંગવામાં આવી રહી છે. અંગ્રેજી, હિન્દી અને ડોગરીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો નહીં, પરંતુ પાંચ વર્ષનો રહેશે. ઉપરાંત દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. બે એઈમ્સ, આઈઆઈટી કોલેજ, મેડિકલ કોલેજ સહિત 144 ડિગ્રી કોલેજ બની અને એમબીબીએસની બેઠકો વધી છે. બાળમૃત્યુ દર ઘટ્યો અને એક વર્ષમાં 8,048 કિલોમીટરના રસ્તાઓ બન્યા છે. સ્માર્ટ સિટી મિશન શરૂ કરવામાં આવ્યું છે.
નહેરુ પર નિશાન સાધ્યું : વિપક્ષ પર નિશાન સાધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કાશ્મીર પર નેહરુની બે મોટી ભૂલો કરી છે. જેમાં જ્યારે સેના જીતી રહી હતી ત્યારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જો આ જાહેરાત ત્રણ દિવસ પછી કરવામાં આવી હોત તો સ્થિતિ અલગ હોત અને યુએનની અંદર આ મુદ્દો ઉઠાવવો ભૂલ હતી. જવાહરલાલ નેહરુએ પાછળથી કહ્યું કે, સીઝફાયર એક સારો વિકલ્પ હતો.
વિપક્ષ પર આકરા આક્ષેપ :અમિત શાહ પહેલા આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, દેશના પહેલા પીએમ જવાહરલાલ નેહરુના સમયમાં થયેલી ભૂલોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધારી છે. 2019 પછી આનો અનુભવ કરી શકાય છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, વિરોધ પક્ષના લોકો વારંવાર કેટલાક પરિવારોના નામ લઈ રહ્યા છે. પરંતુ તેઓ ન તો મહારાજા હરિસિંહનું નામ લે છે, ન તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લે છે. 60 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું અને આ સમયગાળા દરમિયાન 45 હજારથી વધુ સૈનિકો અને સામાન્ય લોકો માર્યા ગયા હતા. સૈનિકોને બુલેટપ્રૂફ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા.
પુનર્ગઠન સંશોધન બિલને સમર્થન : જનતા દળ (યુનાઈટેડ)ના કૌશલેન્દ્ર કુમારે આ બિલને આવકાર્ય ગણાવ્યું અને દેશમાં જાતિ ગણતરી કરાવવાની માંગ કરતા કહ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીરમાં જલ્દી ચૂંટણી કરાવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. બહુજન સમાજ પાર્ટી (BSP)ના મલુક નાગરે કહ્યું કે, પહેલા કાશ્મીરના ગુર્જર બક્કરવાલ સમુદાયના મત લેવામાં આવતા હતા પરંતુ સુવિધા આપવામાં આવતી નહોતી. પરંતુ કલમ 370 હટાવ્યા બાદ આ સમુદાયના લોકોને સુવિધાઓ આપવામાં આવી રહી છે.
વિપક્ષનો વળતો પ્રહાર :નેશનલ કોન્ફરન્સના વડા ફારૂખ અબ્દુલ્લાએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ન કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. NCP સાંસદ સુપ્રિયા સુલેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. દ્રમુકના ડીએનવી સેંથિલકુમારે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા ચલાવવા માંગે છે અને તેથી ત્યાં ચૂંટણી નથી થઈ રહી. ભાજપ પાસે જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચૂંટણી જીતવાની ક્ષમતા નથી. તેમણે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી હતી.
સુપ્રિયા સુલેનો મિશ્ર પ્રતિભાવ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુલેએ કહ્યું કે, કાશ્મીર મુશ્કેલ પ્રવાસમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં જલ્દી નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ. રાજ્યમાં એક સમુદાયને અનામત આપવાને બદલે સરકારે સમગ્ર રાજ્યમાં એકંદર અનામત માટે બિલ લાવવું જોઈએ. મહારાષ્ટ્રમાં મરાઠા અને લિંગાયત સહિત કેટલાક સમુદાયો અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ આવી જ માંગણી કરવામાં આવી રહી છે અને સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.
સુપ્રિયાનું સરકારને સૂચન : સુપ્રિયા સુલેએ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં થયેલા આતંકવાદી હુમલામાં સેનાના અધિકારીઓ અને જવાનોની શહીદીનો ઉલ્લેખ કરીને સરકારને આ તરફ ધ્યાન આપવાની માંગ કરી હતી. ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ પહેલા કરતા ચોક્કસપણે સારી છે. સાચી વાત સ્વીકારવી જોઈએ, તેથી હું સરકારની પ્રશંસા કરું છું, પરંતુ હજુ ઘણું કામ કરવાની જરૂર છે.
ચૂંટણીના મુદ્દે સરકારને ઘેરી : નેશનલ કોન્ફરન્સના હસનૈન મસૂદીએ ચર્ચામાં જોડાતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના ભાગલા અને ત્યાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે. આવી સ્થિતિમાં સરકારે આ બિલ લાવવા માટે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈતી હતી. સરકારને બંધારણ હેઠળ કોઈપણ રાજ્યને બે ભાગમાં વહેંચવાનો અધિકાર નથી. સંસદમાં વચન આપવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. પરંતુ રાજ્યની વાત અહીં સંસદમાં થઈ રહી છે. હસનૈન મસૂદીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, જો સરકારનો દાવો છે કે જમ્મુ અને કાશ્મીરમાં 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ થયા પછી બધું બરાબર છે, તો પછી ત્યાં હજુ સુધી ચૂંટણી કેમ નથી થઈ.
- ભાજપના 12 સાંસદોએ રાજીનામા આપ્યા, DMK સાંસદે ગૌમૂત્ર અંગેના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો
- મારો ઉદ્દેશ્ય માત્ર ગઠબંધનને મજબૂત કરવાનો છે, મારે કોઈ પદ જોઈતું નથી: નીતીશ કુમાર