મુંબઈ :ચાલુ સપ્તાહની શરૂઆતથી ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળી રહ્યું છે. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. અંતે ભારતીય બજાર ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી ઓટો, ઓઈલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટીમાં વેચવાલીથી બજાર પર દબાણ રહ્યું હતું.
BSE Sensex : આજે 11 જાન્યુઆરી ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 71,657 બંધની સામે 251 પોઈન્ટ વધીને 71,908 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 71,999 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,543 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 63 પોઈન્ટ અપ 71,721 ના મથાળે ગ્રીન ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.09 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 28 પોઈન્ટ (0.13%) સુધારા સાથે 21,647 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 69 પોઈન્ટના સુધારા સાથે 21,688 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,726 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,594 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty 21,619 ના મથાળે બંધ રહ્યો હતો.