લંડનઃ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરનારા ખાલિસ્તાની સમર્થકોને જડબાતોડ જવાબ આપતા ભારતીય હાઈ કમિશનની ટીમે હાઈ કમિશન બિલ્ડિંગ પર વિશાળ ત્રિરંગો ફરકાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચે મોટી સંખ્યામાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતીય હાઈ કમિશનમાં ભારતના ધ્વજનો વિરોધ કર્યો અને તોડફોડ કરી હતી. ભારતે ગુનેગારોની ધરપકડની માંગ કરતા ખાલિસ્તાની તત્વોનો સખત વિરોધ કર્યો હતો.
વિશાળ ત્રિરંગો ફરકાવ્યો:ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર ભારતીય હાઈ કમિશનની ટીમે વિશાળ ત્રિરંગો ફરકાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કર્યા બાદ કડક કાર્યવાહી કરી હતી. જેના પરિણામસ્વરૂપ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની બહારથી બેરિકેડ હટાવી દેવામાં આવ્યા હતા. અગાઉ વિદેશ મંત્રાલયે તેની સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ બાદ એક વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને નવી દિલ્હીમાં બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજદ્વારીને પૂછવામાં આવ્યું કે તે સમયે બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓ ભારતીય હાઈ કમિશનમાં કેમ હાજર ન હતા? ખાલિસ્તાન સમર્થકોને હાઈ કમિશન પરિસરમાં કોણે પ્રવેશવાની મંજૂરી આપી ?