નવી દિલ્હી: ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડાના વચ્ચેના સંબંધો દિવસેને દિવસે બગડતાં જાય છે. ત્યારે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. કેનેડાના નાગરિકો માટે વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે. આગામી આદેશ સુધી વિઝા સેવા સ્થગિત રહેશે. ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી જારી કરવામાં આવી છે. ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડાએ જણાવ્યું હતું કે, "ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ BLS વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે."
ભારતીય મિશન દ્વારા વિઝા સેવાઓ સ્થગિત:મળતી માહિતી મુજબ કેનેડામાં ભારતીય મિશન દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. BLS ઇન્ટરનેશનલ, કેનેડિયન નાગરિકો માટે વિઝા અરજીઓની પ્રાથમિક તપાસનું સંચાલન કરતી ખાનગી એજન્સીના જણાવ્યા અનુસાર, ભારતીય મિશન ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને આગળની સૂચના સુધી વિઝા સેવાઓ સ્થગિત કરી હતી. નોંધનીય છે કે BLS ઇન્ટરનેશનલ સર્વિસિસ લિમિટેડ એ વિશ્વભરના સરકારી અને રાજદ્વારી મિશન માટે ભારતીય આઉટસોર્સિંગ સેવા પ્રદાતા છે. કંપની વિઝા, પાસપોર્ટ, કોન્સ્યુલર, વેરિફિકેશન અને નાગરિક સેવાઓનું સંચાલન કરે છે.
ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ: ભારતે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. આ મુજબ તમામ ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં હાલના દિવસોમાં ભારતીયો વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વધી છે, તેને રાજકીય હવા આપવામાં આવી રહી છે, રાજકીય ગુનાઓ વધ્યા છે, તેથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
કેનેડિયન નાગરિકોને ભારતની મુસાફરી ટાળવા કહ્યું: ભારતની એડવાઈઝરી પહેલા કેનેડાએ એડવાઈઝરી જારી કરી હતી. જેમાં તેમણે કેનેડિયન નાગરિકોને ભારતની મુસાફરી ટાળવા કહ્યું હતું. કેનેડાએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે ભારતમાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે, તેથી તેઓ સાવધ રહેવું જોઈએ.
કેનેડાએ ભારત પર લગાવ્યો આરોપ: ઉલ્લેખનીય છે કે રદીપ સિંઘ નિજ્જરની હત્યા બે મહિના અગાઉ કેનેડામાં થઈ હતી. ગુરૂદ્વારાના પાર્કિંગ વિસ્તારમાં તેના પર ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં નિજ્જરનું મૃત્યુ થયું હતું. 18 સપ્ટેમ્બરે ટ્રુડોએ કેનેડિયન સંસદમાં નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ટ્રુડોએ કહ્યું કે તેમને શંકા છે કે ભારતીય એજન્ટોએ નિજ્જરની હત્યા કરાવી છે. પરંતુ ટ્રુડોએ હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. કેનેડાના અધિકારીઓએ કહ્યું કે તે આ મામલે ભારતના સહયોગની અપેક્ષા રાખે છે. કેનેડા અહીં જ ન અટક્યું, તેણે ભારતને બદનામ કરવા માટે વિશ્વના અન્ય દેશોનો પણ સંપર્ક કર્યો. પરંતુ તેને કોઈનો સાથ મળ્યો નહીં. ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અગાઉ કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.
- India Hits Canada Again: ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, કેનેડામાં રહેતા ભારતીયોને કર્યા સાવધ
- Who is Nijjar ? : કોણ છે હરદીપ સિંઘ નિજ્જર જેની હત્યાને પરિણામે ભારત અને કેનેડા વચ્ચે મનદુખ થયું ?