નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદની અરજી પર મંગળવારે સુનાવણી કરી છે. જેમાં વધુ ચાર અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરાશે તેવો નિર્ણય સુપ્રીમે કર્યો છે. ખાલીદ પર ઉત્તર પૂર્વિય દિલ્હીમાં વર્ષ 2020માં થયેલા હુલ્લડો યોજવાનો આરોપ લગાડીને કેસ દાખલ થયો છે. આ કેસ આતંકવાદી વિરોધી કાયદો યુએપીએ અંતર્ગત દાખલ કરાયો છે. મંગળવારે સુપ્રીમે ખાલીદની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી છે. સુનાવણી દરમિયાન જજ અનિરુદ્ધ બોસ અને બેલા એમ ત્રિવેદીની સંયુક્ત બેન્ચે વિસ્તૃત સુનાવણીની આવશ્યક્તા જણાવી છે.
કપિલ સિબ્બલની દલીલઃ આ સુનાવણી દરમિયાન ખાલીદ અને તેના વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. કપિલ સિબ્બલે ખાલીદ તરફથી દલીલ કરી હતી કે આ કેસમાં દરેક દસ્તાવેજનું ધ્યાનથી અવલોકન થવું જરૂરી છે. આરોપો સંબંધી પુરાવા પણ ધ્યાનથી જોવા જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ પ્રશાંતકુમાર મિશ્રાએ 9 ઓગસ્ટે પોતાને આ કેસથી અલગ કરી લીધા છે.
દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી હતીઃ 18 ઓક્ટોબર, 2022ના રોજ ઉમર ખાલીદની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે રદ કરી હતી તેથી ખાલીદે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ખાલીદની જામની અરજી જજ એ.એસ. બોપન્ના અને પ્રશાંતકુમારની સંયુકત બેન્ચ સમક્ષ આવી હતી. હાઈકોર્ટે જામીન અરજી રદ કરવા પાછળનું કારણ ખાલીદના સંપર્કો અને તેના પર લગાડવામાં આવેલ આરોપ પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય હોવાનું જણાવ્યું હતું.