મોરબી: આ મોટી દુર્ઘટનાના 3 દિવસ પહેલા જ ઝૂલતા પુલનું લોકાર્પણ થયું હતું. આ ઘટનામાં અનેકના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન સાથે કરી વાત, વડાપ્રધાને પિડીત પરિવારોને તમામ મદદની ખાતરી આપી હતી. સાથે જ બીજા ટ્વિટમાં (PM Modi expressed grief on morbi bridge collapse) પીએમ મોદીએ મૃતકો માટે 2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તને 50000ની સહાયની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ સંવેદના થાલવી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ પણ પરિસ્થિતિને નજીકથી અને સતત મોનિટર કરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાનું કહ્યું છે. ગુજરાત સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું:અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'મોરબીમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. મેં આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે. NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો: તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ બાબતે હું જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 'PM નરેન્દ્રભાઈ મોદીએ મોરબીની દુર્ઘટના વિશે મારી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડાપ્રધાને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે.
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા:ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરે અને ગુમ થયેલા લોકોની શોધમાં મદદ કરે.
કેજરીવાલે પણ ટ્વીટ કર્યુ: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'ગુજરાતમાં દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. મોરબીમાં પુલ ધરાશાયી થવાના કારણે અનેક લોકો નદીમાં પડ્યા હોવાના અહેવાલ છે. હું તેમના જીવન અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
જણાવી દઈએ કે આ પહેલા 14 ઓક્ટોબરના રોજ ભારે વરસાદને કારણે દક્ષિણ ગોવાના દૂધસાગર ધોધ પરનો કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો. તેની ઝપેટમાં આવેલા 40થી વધુ પ્રવાસીઓનો કોઈ રીતે બચાવ થયો હતો.