બુલંદશહરઃઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વીજળી વિભાગની ટીમને કડવો અનુભવ થયો છે. આ ટીમ વીજચોરી પકડવા માટે ગઈ હતી. એક ઘરે ટીમ પહોંચી તો ટીમ પર ચાર ડાઘીયા કુતરા (પિટબુલ બ્રીડ) છોડી મુકાયા. આ કુતરાઓએ ટીમના જેઈ(જૂનિયર એન્જિનિયર) સહિત અનેક કર્મચારીઓને કરડી ખાધા હતા. આ ઉપરાંત પરિવારે ટીમ સાથે મારપીટ પણ કરી હતી. પરિવારના એક સભ્યએ પિસ્તોલ તાકીને સમગ્ર ટીમ ખદેડી મુકી હતી. આ સમગ્ર મામલે વીજળી વિભાગે 4 આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
એસડીઓ રેણુ શર્મા જણાવે છે કે, બુલંદશહરના અંબા કોલોનીમાં એક ઘરનું વીજળી બિલ 3.57 લાખ જેટલું બાકી હતું. તેથી વીજળી વિભાગની એક ટીમ બાકી બિલ ભરવા અને વીજળી ચોરીની ફરિયાદ લઈને આ ઘરે પહોંચી હતી. આ પરિવારે વિભાગની ટીમ સાથે ગેરવર્તન કર્યુ હતું. મહિલા અધિકારીઓ સાથે પણ આ પરિવારે અવિવેક કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં મારપીટમાં ઘાયલ થયેલ જેઈ(જૂનિયર એન્જિનિયર) જ્યોતિ ભાસ્કર સિન્હા જણાવે છે કે, 33/11 કેવી સબ સેન્ટર વાલીપુરમાં તે જૂનિયર એન્જિનિયર છે. એસડીઓ રીના અને ડ્રાઈવર ઈરશાદ સિવાય સંવિદા કર્મી સુધી અને ઈકબાલ નાણાંની વસૂલી માટે ગયા હતા.