નવી દિલ્હી : કોર્ટની પરવાનગી મળ્યા બાદ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા શનિવારે સવારે 10:10 વાગ્યે પોલીસ કસ્ટડીમાં મથુરા રોડ પર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેઓ બીમાર પત્નીને મળ્યા હતા. મળતી માહિતી મુજબ તેમની પત્ની લાંબા સમયથી મલ્ટિપલ એસ્કેલેરોસિસ નામની બીમારીથી પીડિત છે.
બીમાર પત્નીને મળ્યા મનીષ : અગાઉ જૂન માસમાં પણ દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી તેમની બીમાર પત્નીને મળવાની પરવાનગી આપી હતી. કોર્ટની પરવાનગી લઈને તેઓ બીજી વખત પત્નીને મળવા ઘરે પહોંચ્યો છે. મનીષ સિસોદિયાના ઘરમાં પરિવારના અન્ય એક-બે સભ્યો પણ હાજર હતા. મનીષ સિસોદિયાની પત્ની જ્યાં રહે છે તે સરકારી મકાન મનીષ સિસોદિયાને પહેલાથી જ ફાળવવામાં આવ્યું હતું.
સિસોદિયાની અરજી પર કોર્ટની શરત : અગાઉ શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેઓની બીમાર પત્નીને મળવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન ન્યાયાધીશ એમ.કે. નાગપાલે તેમને સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં ઘરે જવાની મંજૂરી આપી હતી. ઉપરાંત કોર્ટે એવી શરત પણ મૂકી હતી કે આ સમયગાળા દરમિયાન મનીષ સિસોદિયા મીડિયા સાથે વાત નહી કરે અને ન તો કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, મનીષ સિસોદિયાએ ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પોતાની બીમાર પત્નીને પાંચ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મળવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે તેમને માત્ર એક દિવસ માટેની જ મંજૂરી આપી છે.
શું છે મામલો ? નોંધનીય છે કે, મનીષ સિસોદિયા આબકારી કૌભાંડ સંબંધિત CBI કેસમાં ગયા મહિને જ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી બાદ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવી હતી. ઉલ્લેખનિય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેના પર છેલ્લા બે મહિનાથી સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં પણ ED અને CBIએ ઘણી દલીલો સાથે સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટે ED ની દલીલો સાંભળ્યા પછી ટિપ્પણી કરી હતી કે, જો આમ આદમી પાર્ટીને સમગ્ર કૌભાંડથી ફાયદો થયો છે તો પછી આમ આદમી પાર્ટીને આરોપી કેમ ન બનાવવામાં આવી. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ હવે ED મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે, જો મની લોડિંગ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવશે તો પાર્ટીના નેતૃત્વ અને સંગઠન બંને પર તેની નકારાત્મક અસર થશે.
- Delhi chief secretary: દિલ્હીના મુખ્ય સચિવ પર પુત્રની કંપનીને 315 કરોડનો ફાયદો પહોંચાડવાનો આરોપ, CM કેજરીવાલે શરૂ કરી તપાસ
- Delhi Excise Policy Scam: કોર્ટે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી, સમય નક્કી કર્યો