- રાજ્યસભામાં નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ આત્મનિર્ભર ભારત માટે છે
- પીએમ આવાસ યોજના હેઠળ 1.67 કરોડથી વધુ મકાનો બનાવવામાં આવ્યાંઃ નાણાપ્રધાન
- 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતુંઃ નિર્મલા સીતારમણ
ન્યુ દિલ્હીઃ બજેટ સત્રમાં ચર્ચા પછી રાજ્યસભામાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ બજેટ આત્મનિર્ભર ભારત માટે છે. આ બજેટ એવું છે કે જે સ્પષ્ટ રીતે અનુભવ અને વહીવટી ક્ષમતાઓને બતાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2.67 થી વધુ મકાનોનું વીજળીકરણ
નાણાંપ્રધાને વધુમાં જણાવ્યું કે, પીએમ આવાસ યોજના હેઠળ 1.67 કરોડથી વધુ મકાનો બનાવવામાં આવ્યાં હતા. તે શું ધનિકો માટે છે? 17 ઓક્ટોબર પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2.67 થી વધુ મકાનોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.
8 કરોડ લોકોને મફત રસોઈ ગેસ આપવામાં આવ્યો
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું, 8 કરોડ લોકોને મફત રસોઈ ગેસ આપવામાં આવ્યો હતો અને 40 કરોડ લોકો, ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગ, ગરીબ અને જરૂરીયાતમંદોને સીધી રોકડ રકમ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત રૂપિયા 27,000 કરોડની લોન ફાળવવામાં આવી
રાજ્યસભામાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત રૂપિયા 27,000 કરોડની લોન ફાળવવામાં આવી છે. આ બધું ગરીબો માટે હતું, કોઈ 'જમાઈ' માટે ન હતું. આ અંગે વિપક્ષ દ્વારા વાંધો ઉઠાવવવામાં આવ્યો હતો. જે પર નાણાપ્રધાને કહ્યું કે, 'જમાઈ દરેક ઘરમાં હોય છે, આના પર કોંગ્રેસનો કોઈ કોપીરાઈટ નથી, પરંતુ લાગે છે કે, કોંગ્રેસે તેને આવી ઓળખ આપી છે.