નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીના આરોપને રદિયો આપ્યો છે. કેનેડાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે, કેનેડાના 41 ડિપ્લોમેટ્સની રાજકીય આઝાદીને રદ કરવી તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નથી. ભારતે આ નિર્ણય વિયેના કન્વેન્શન અનુસાર લેવાયો હોવાનો દાવો કર્યો છે. મંત્રાલય જણાવે છે કે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ, ભારતમાં કેનેડિયન ડિપ્લોમેટ્સની વધુ સંખ્યા અને દેશના આંતરિક મામલામાં તેમનો વધતો હસ્તક્ષેપ નવી દિલ્હી અને ઓટાવામાં પારસ્પરિક રાજકીય ઉપસ્થિતિમાં ડિપ્લોમેટ્સની સમાન સંખ્યા (સમાનતા)ને ઝંખે છે.
કેનેડા સાથે સમાનતા માટે ગયા મહિને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેનેડાની રાજકીય ઉપસ્થિતિમાં સમાનતા લાગુ કરવાનો નિર્ણય વિયેના કન્વેન્શનના અનુચ્છેદ 11.1 અનુસાર છે. અનુચ્છેદ 11.1 અંતર્ગત પ્રાપ્તકર્તા રાજ્યની પરિસ્થિતિઓ અનુસાર વિશેષ મિશનની જરુરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
અમે ડિપ્લોમેટ્સની સંખ્યા સમાન કરવાના નિર્ણય મુદ્દે કેનેડાના દરેક આક્ષેપને રદિયો આપીએ છીએ. ભારતના કુલ 21 ડિપ્લોમેટ્સ કેનેડામાં છે જ્યારે કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ્સ ભારતમાં છે. જે નવી દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને બંગાલુરુમાં તેમની એમ્બેસીમાં ફેલાયેલા છે.
ભારત અને કેનેડા વચ્ચે ટ્રુ઼ડોના નિવેદન બાદ તણાવ ફેલાયો છે. આ નિવેદનમાં ટ્રુડોએ કેનેડામાં માર્યા ગયેલા શીખ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હોવાનો દાવો કર્યો હતો. ગયા મહિને ભારતે કેનેડાને પોતાના 41 ડિપ્લોમેટ્સ ભારતમાંથી પરત લેવા માટે કહ્યું હતું. જી20 શિખર સમ્મેલનમાં ભાગ લઈને ગયા બાદ ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર આરોપ લગાડ્યો હતો.
ટ્રુડોના આરોપ બાદ તરત જ કેનેડિયન વિદેશ પ્રધાને કેનેડા સ્થિત વરિષ્ઠ ભારતીય ડિપ્લોમેટ્સને કેનેડા છોડી દેવા હુકમ કર્યો હતો. કેનેડાએ આ ડિપ્લોમેટનું નામ જાહેર કરીને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કર્યુ હતું. ઈંટનો જવાબ પત્થરથી આપવાના ન્યાયે ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ ડિપ્લોમેટ કૈમરુન મૈકને ભારત છોડવાનો આદેશ કર્યો. તેમજ નવી દિલ્હીમાં કાર્યરત વરિષ્ઠ કેનેડાના ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. નવી દિલ્હીએ ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા પાયાવિહોણા આરોપોથી ખાલીસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. આ આતંકવાદીઓને કેનેડામાં આશ્રય આપીને ભારતની સંપ્રુભતા અને અખંડિતતા માટે ખતરો પેદા કરવામાં આવ્યો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની લાંબા સમયની નિષ્ક્રિયતા ચિંતાનો વિષય છે. ખાલીસ્તાની સમર્થકો પ્રત્યે કેનેડિયન રાજકારણીઓનું સમર્થન ખરેખર ચિંતાજનક છે.