- મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ NIA ઓફિસ પહોંચ્યા
- મુંબઈ પોલીસે સચીન વાઝેના કામ અંગેનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો
- વાઝે અધિકારીઓને અવગણીને પરમબીર સિંહને રિપોર્ટ કરતો હતોઃ મુંબઈ પોલીસ
મુંબઈઃ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં મળેલા વિસ્ફોટક સામાનની તપાસ NIA કરી રહી છે. હવે આ અંગે મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહ પૂછપરછ માટે NIAની ઓફિસે પહોંચ્યા હતા.
સચીન વાઝેએ ક્રાઈમબ્રાન્ચમાં કરેલા 9 મહિનાના કાર્યકાળનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો
આ તમામની વચ્ચે મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, સચીન વાઝેને મુંબઈ પોલીસમાં પરત લેવા અને મુંબઈ CIU, ક્રાઈમબ્રાન્ચમાં તેમના 9 મહિનાના કાર્યકાળનો એક રિપોર્ટ મહારાષ્ટ્રના ગૃહવિભાગને સોંપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સચીન વાઝેને તત્કાલિન પોલીસ કમિશનર પરમબીર સિંહના મૌખિક નિર્દેશ પછી જ નોકરી પર પરત લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, વાઝે અનેક અધિકારીઓને અવગણીને પરમબીર સિંહને રિપોર્ટ કરતો હતો.
આ પણ વાંચોઃસચિન વઝે કેસમાં કબ્જે કરાયેલી કાર અગ્રવાલ પરિવારને મુંબઈના ઇસ્માઇલે આપી હતી ભેટ
કારના માલિકનું મોત થયા પછી 13 માર્ચે સચીન વાઝેની ધરપકડ થઈ હતી
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની પાસે એક SUVમાં જિલેટિનની સ્ટિક મળી આવી હતી. ત્યારબાદ કારના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ સ્થિતિમાં મોત થતા પોલીસ અચંબામાં આવી ગઈ હતી. ત્યારબાદ 13 માર્ચે સચીન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરમબીર સિંહને આ મામલાને લઈને કમિશનર પદેથી હટાવી દેવાયા હતા. ત્યારબાદ પરમબીર સિંહે એવો દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે સચીન વાઝે સહિત અન્ય અધિકારીઓને બાર અને રેસ્ટોરાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃએન્ટિલિયા કેસ: NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી
પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે CBI તપાસની માગ કરી હતી
આ અંગે પરમબીર સિંહે 25 માર્ચે કોર્ટમાં એક અરજી દાખલ કરીને દેશમુખ સામે CBI તપાસની માગ કરી હતી. આ કડીમાં મુંબઈની હાઈકોર્ટે પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે CBI તપાસનો આદેશ આપ્યો હતો. સોમવારે હાઈકોર્ટના આદેશ પછી વિદર્ભના અનુભવી નેતા દેશમુખે રાજ્ય સરકારને રાજીનામું સોંપ્યું હતું. હાઈકોર્ટે 52 પેજના આદેશમાં કહ્યું હતું કે, દેશમુખ સામે સિંહના આરોપોએ રાજ્ય પોલીસમાં નાગરિકોનો વિશ્વાસ દાવ પર લાગ્યો છે.