- વડાપ્રધાન મોદીની દ્રષ્ટિવંત નેતૃત્વ શક્તિના પરિચાયક એવા પ્રોજેક્ટ એટલે ડ્રીમ પ્રોજેક્ટ્સ
- વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટ્સને કારણે દેશને આપી નવી ઓળખ
- ડ્રીમ પ્રોજેક્ટ્સને કારણે ભારતનો સાંસ્કૃતિક વારસો ઓળખાશે
ન્યૂઝ ડેસ્ક: ભારત જેવા અતિશય સંકુલતાભર્યાં દેશમાં જ્યાં ઉત્તરથી લઇ દક્ષિણ અને પૂર્વથી લઈ પશ્ચિમ સીમા સુધી બાર ગાઉએ બોલી બદલાય છે તેવા દેશમાં અનેક વર્ગ, સમાજ અને સંસ્કૃતિ સમાવિષ્ઠ થયેલી છે. ત્યારે દેશના સર્વાંગી વિકાસની જેમને જવાબદારી સોંપાય છે તેવા રાજકીય અગ્રણીઓ અને તેમનાય લીડર એવા વડાપ્રધાન પદ પર આસનસ્થ મહાનુભાવે અનેક મોરચે એકસાથે કામ કરવાનું હોય છે.
જો કે આમ જોઇએ તો, ચડ્ચે ચૂલે ખીચડી ન રંધાય એ પ્રમાણે કશું પણ રાતોરાત સિદ્ધ થતું નથી, ભલેને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ( Dream Projects Of PM Modi ) જ કેમ ન હોય? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં તે અરસામાં તેઓએ નવા જમાનાની નવી જરુરિયાતોને અનુરુપ કેટલીક વિચારણાઓ, રુપરેખાઓ પર ભારે ઝીણવટભર્યું કામ કર્યું હતું.
ત્યારે વવાયેલાં કેટલાક બી સમયાંતરે જ્યારે નરેન્દ્ર મોદીના રાજકીય જીવનના કુલ કાર્યકાળના વીસ વર્ષ થઈ ચૂક્યાં છે, ત્યારે કેટલાક પ્રોજેક્ટ કાગળ પરથી વાસ્તવિકતાની ધરતી પર ઊતરી ચૂક્યાં છે. વડાપ્રધાન મોદીની દ્રષ્ટિવંત નેતૃત્વ શક્તિના પરિચાયક એવા પ્રોજેક્ટને જગત આખું હવે તેમની સ્વપ્નનિલ યોજનાઓ- ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઉલ્લેખે છે. જેમાં કેટલાક પૂર્ણ થઇ ચૂક્યાં છે, તો કેટલાક ગતિમાન છે.
1-સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Sabarmati Riverfront Development Project)
આજે અમદાવાદની શાન બની ગયેલા આ પ્રોજેક્ટે સાબરમતી નદીને પણ પુનઃ જીવિત કરી તેમ કહીએ તો ખોટું નથી. વીસ-પચીસ વર્ષ પહેલાં જો તમે અમદાવાદની સાબરમતી નદી જોઇ હોય તો તરત જ આ વાતની સત્યતા માની જશો. એકસમયે ગટરની ગંદકી, ઝૂંપડપટ્ટી, કચરાનું નાળું બની ગયેલી સાબરમતી નદીમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સાકાર કરવો સાચે જ ડ્રીમ સમાન જ હતો.
અનેક પ્રકારની મુશ્કેલીઓ, વિરોધ તો હતાં જ એવામાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વશક્તિએ આ પ્રોજેક્ટને સાકાર કરવા પ્રયત્ન કર્યો હતો. સાબરમતીમાં આ રીતની યોજના થઈ શકે એવી દરખાસ્ત તો 1960ના સમયથી આવી હતી, પણ તેનું ખરું કલેવર બન્યું 1998થી ફ્રેન્ચ આર્કિટેક્ટ બર્નાડ કોહ્ને 1060ના દાયકે એ સમયના અગ્રણી સ્થપતિ અને બિલ્ડર વગેરે લોકો સાથે મળી રિવરફ્રન્ટનું નામ પાડ્યાં વિનાનો શહેરીજનો માટે બહુહેતુક ઉપયોગમાં આવે તેવો પ્રોજેક્ટ વિચાર્યો હતો જે ગાંધીબ્રિજથી સરદાર બ્રિજ સુધીનો હતો.
બનાર્ડ કોહ્ને 1963માં તેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધેલો. 1966માં ટેકનિકલ પાસાંઓનો વિચાર કરી મંજૂર રખાયો. 1976માં મૂડીરોકાણ વગેરે પર કામ થયું. 1992માં સાબરમતીના શુદ્ધિકરણ માટે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ ગટરો અને સૂએજ સુધારાનો પ્રસ્તાવ આવ્યો હતો. આમ આ કામ થઈ રહ્યું હતું, તેમાં 1997માં અમદાવાદ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ-SRFDCL કંપની બનાવી એ ઘણું મોટું પગલું ભરાયું.
જેના નેજા હેઠળ વિવિધ ટેકનિકલ અને અન્ય બાબતોનો ધમધમાટ વધ્યો. આ એ સમય હતો જ્યારે સાબરમતીના કિનારે બંને બાજુએ આશરે 11 કિલોમીટરનો પટ્ટો વિકાસના સર્વશ્રેષ્ઠ નમૂના તરીકે ઊભરી રહ્યો હતો. 2005થી 2012 સુધી એટલે કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જ આ યોજના ખરેખરી કાર્યાન્વિત થઇ અને દેશ અને દુનિયામાં 2014થી જાહેરજનતા તેનો લાભ લઇ રહી છે. આ પ્રોજેક્ટ નદી સાથે સળંગ જાહેર પ્રોમનાડ બનાવે છે આ અવિરત ચાલવા માટેના રસ્તાની લંબાઈ પૂર્વીય બાજુ 11.3 કિ.મી. છે જયારે પશ્ચિમ બાજુ 11.2 કિ.મી.ની લંબાઈ ધરાવે છે.
શહેર માટે બનાવેલ પ્રોમનાડની કુલ લંબાઈ 22.5 કિલોમીટર છે. હવે તો તેમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ તેના ગાર્ડન માટે પણ લોકપ્રિય બન્યો છે. ફ્લાવર શો, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સરનામું પણ રિવરફ્રન્ટ પરનું જ બની ચૂક્યું છે. અન્ય પણ ઘણાં આકર્ષણો પણ રિવરફ્રન્ટ યોજના સાથે જોડાઈ ગયાં છે. સો વાતની એક વાત એ છે કે, તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હવે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટોમાં એક સુવર્ણપિચ્છ બની ગયું છે.
2- સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity)
રાષ્ટ્રીય અખંડતાના શિલ્પી સરદાર વલ્લલભભાઈ પટેલના નામ સાથે સાકારિત આ ડ્રીમ પ્રોજેક્ટ સાંગોપાંગ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આજે વિશ્વભરમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ તરીકે ભારતનું મસ્તક પણ ઉન્નત બનાવી રહ્યો છે. નર્મદા ડેમથી પાંચ કિલોમીટરના અંતરે સ્થિત સાધુબેટ પર સાકાર થયેલો આ પ્રોજેક્ટ 7 ઓક્ટોબર 2010થી શરુ થયો હતો અને ગત વર્ષે લોકાર્પિત પણ થઈ ગયો. તેમાં નરેન્દ્ર મોદીની સતત ચાંપતી નજર અને પ્રબળ ઇચ્છાશક્તિ પણ કારણભૂત છે. 20,000 ચોરસમીટર વિસ્તારમાં 12 કિલોમીટરના પરિઘમાં બનેલો આ ડ્રીમ પ્રોજેક્ટ ધરતી પર ઊતારવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્ર્સ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી.
પ્રોજેક્ટના આરંભે બૂર્જ ખલીફા પ્રોજેક્ટના મેનેજર માઈકલ ગ્રેવ્ઝ એસોસિએટ અને મીનહાર્થા કન્સોર્ટિયમ દેખરેખ રાખતાં હતાં અને તેનો પ્રારંભિક અંદાજ 2063 કરોડ રુપિયા અંદાજવામાં આવ્યો હતો. સરદારની પ્રતિમા માટે જરુરી લોખંડ અને અન્ય સાધનો માટે મોદીએ દેશના ખેડૂતો પાસે પહેલ નાંખી હતી અને દેશના 6 લાખ ગામડાંઓમાંથી ત્રણ મહિનાની ઝૂંબેશમાં 5,000 મેટ્રિક ટન આયર્ન ભેગું થયું હતું.
પાંચ લાખથી વધુ ખેડૂતોએ દાન આપ્યું હતું. જેને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ સાર્થક બની ગયું હતું. 31 ઓક્ટોબર 2014ના દિવસથી મૂર્તિનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ડ્રીમ પ્રોજેક્ટ મૂર્તિની સાથે મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો, કન્વેન્શન સેન્ટર, પતંગિયા પાર્ક સહિતના ઘણાં આકર્ષણો ધરાવે છે. જેના લીધે દેશવિદેશના લાખો લોકો અહીં મુલાકાત લે છે. એક અંદાજ પ્રમાણે પહેલાં વર્ષમાં જ 35 લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યાં છે.
આ પ્રોજેક્ટે ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું તેમ જ આસપાસના વિસ્તારોમાં રોજગારી વધારવાનું પણ કામ કર્યું છે. સરદાર પટેલના 138માં જન્મદિવસે 2013માં મૂર્તિનો પાયો નાંખનાર મોદી હતા. ત્યારે મુખ્યપ્રધાન મોદી હતાં અને તેના બની ગયાં પછી 2018માં લોકાર્પિત કરનાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હતાં.
3- વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat)
વાયબ્રન્ટ શબ્દ સાથે જે ઝણઝણાટી અનુભવાય તેનો નજરે દેખ્યો અનુભવ કરાવતો આ ડ્રીમ પ્રોજેક્ટ પણ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની દેન છે. એકતરફ ગોધરાના સાબરમતી અગ્નિકાંડ અને તેને આનુષાંગિક ઘટનાને લઇને મુખ્યપ્રધાન મોદીની સરકાર ભારે દબાવમાં હતી, ત્યાં આ પ્રકારનો કાર્યક્રમ કરવો અને ટીકા-ટીપ્પણીનો સામનો કરવાનું સામર્થ્ય પણ મોદીએ દાખવવાનું હતું. ત્યારે 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની સત્તાવાર શરુઆત થઈ હતી. આજે મોદીનો 'વિકાસ' શબ્દ જે રીતે તેમનો આઈકોન બની ગયો છે તે પણ આ સમિટમાંથી વહેતો કરવામાં આવ્યો હતો.
દર બે વર્ષે જાન્યુઆરીમાં યોજાતાં વાયબ્રન્ટ મહોત્સવમાં અત્યાર સુધીમાં કુલ 9 વાયબ્રન્ટ ગુજરાત સમિટ થઇ ગઈ છે. જેમાં લાખો-કરોડોના MOU-વ્યાપાર સમજૂતી કરાર અને રોકાણની ઘોષણાઓ થોકબંધ અહેવાલોમાં પ્રસારિત થઇ ગઇ છે. આમ તો આ પ્રોજેક્ટ કોર્પોરેટ જગત અને સત્તાધીશો વચ્ચેના સંકલન કરનાર તરીકે જોઇ શકાય છે. ખાસ તો આંતરરાષ્ટ્રીય ફલકના વડાઓને આ નિમિત્તે આમંત્રિત કરીને પરદેશમાં પોતાની છવિ બનાવવામાં પણ નરેન્દ્ર મોદી માટે આ ડ્રીમ પ્રોજેક્ટનો ફાળો નાનોસૂનો નથી. છેલ્લે 2019માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં 26,000 કંપનીઓએ નોંધણી કરાવી હતી.
જેમાં 186થી વધુ ડેલિગેટે ભાગ લીધો હતો. વાયબ્રન્ટ સમિટમાં હવે તો પાર્ટનર કન્ટ્રીઝ પણ હોય છે. આ ડ્રીમ પ્રોજેક્ટનો હેતુ વ્યાવસાયિક અપલિફ્ટમેન્ટનો હોવાથી તેમાં સ્વાભાવિક જ ઝાકઝમાળ અને સંખ્યાબંધ સેશન હોય છે. જેમાં ટેકનોલોજી સેમિનાર, શોપિંગ ફેસ્ટિવલ, ગ્લોબલ CEOના સંબોધનો, વન ટુ વન બેઠકો, બાયર-સેલર મીટ વગેરે આયોજનો હોય છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ ટાટા-અંબાણી સહિતના તમામ અગ્રણી સમૂહ તેમાં ભાગ લે છે એ કહેવાની જરુર ખરી..? આ ડ્રીમ પ્રોજેક્ટ માટે પણ વિવાદ સામે આવતો રહ્યો છે કે, તેમાં થતાં MOUમાંથી સાચા અર્થમાં 30-40 ટકા MOUનું જ અમલીકરણ થાય છે. વિપક્ષો તો આ પ્રોજેક્ટને સ્ટંટ અને સરકારી નાણાંના દુરુપયોગ તરીકે જ જૂએ છે.
4- વાયબ્રન્ટ નવરાત્રિ (Vibrant Navratri)
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને લોકજીવનના ધબકાર સ્વરુપ નવરાત્રિમાં ગુજરાતની ગલીએ ગલી ઢોલના તાલે, રાસગરબાની રમઝટનું, નવયૌવનના ઉલ્લાસ સાથે ભક્તિનું જે સંયોજન રચે છે, તે વિશ્વના તમામ ખંડમાં પડઘાય છે અને આ પડઘમ એમ જ નથી વાગ્યાં. તેની પાછળ પણ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્નદ્રષ્ટિ કામે લાગી છે.
વર્ષ 2003માં સૌપ્રથમવાર વાયબ્રન્ટ નવરાત્રિ યોજાઈ ત્યારે રાજ્યકક્ષાનોએ મહોત્સવ બિનગુજરાતીઓ માટે તેમ જ વિદેશોમાં કંઇ નવાઈની નજરે જોવાયો હતો. વાયબ્રન્ટ નવરાત્રિની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્ય સરકારે આ વર્ષે કોરોના મહામારીને પગલે રદ કરવાનો નિર્ણય કર્યો ત્યારે જ સંકેત મળી ગયો હતો કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે ગરબા જોવા નહીં મળે.
વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં GMDCમાં થતાં કાર્યક્રમમાં પણ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનાં લટકણિયાંમાં અન્ય આકર્ષણ હોય તેમ ઇનામી સ્પર્ધાઓ, ખાણીપીણી સ્ટોલ વગેરે આયોજિત થાય છે. આ પ્રોજેક્ટમાં પણ આંતરરાષ્ટ્રીય ટચ આપવા માટે વિદેશી ખેલૈયાઓ પણ ગરબે ઘૂમતાં જોવા મળે તેની તકેદારી રાખવામાં આવે છે. ગુજરાતી ગરબાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ગરબો બનાવી દીધો છે.
5-આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival)
ગુજરાતમાં મકરસંક્રાંતિએ જે રીતે અમદાવાદ સહિત ઘણાં વિસ્તારોમાં દરેક મકાનની છત પર ગુજરાતીઓ દિવસભર મોજ કરે છે, તેનો જોવી એ પણ રાજ્યના જીવંત સાંસ્કૃતિક જીવનનું આગવું પાસું છે. જેને પણ તકને અવસરમાં ફેરવી જાણતાં નરેન્દ્ર મોદીએ અપનાવી લીધું. 31 વર્ષથી યોજાતાં પતંગ મહોત્સવમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લે અને લોકો પતંગબાજીનો નજારો માણે તે માટે સાબરમતી રિવરફ્ન્ટ પર પાછલાં કેટલાક વર્ષોથી પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવે છે.
2020માં કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન થયું તે પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. તેમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં સવારે 7 વાગ્યાથી લઇ સાંજના પાંચ વાગ્યા સુધીમાં 43 દેશોના 153 પતંગબાજોએ ભાગ લીધો હતો. એક અંદાજ મુજબ, દર વર્ષે 5 લાખથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લે છે. આ મહોત્સવની સફળતામાં એમ પણ કહી શકાય કે, ગુજરાતનો પતંગ ઉદ્યોગ 600 કરોડ રુપિયાના આંકડાને વટાવી ગયો છે.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, કંબોડિયા, કેનેડા, સિંગાપુર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશિયા, તુર્કી, થાઇલેન્ડ, યુક્રેન, યુ.કે, યુએસએ, વિયેતનામ, ઝિમ્બાબ્વે ચિલી, ચીન, કોલમ્બિયા, ક્રોએશિયા, કુરાકાઓ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, ઇટાલી, કેન્યા, કોરિયા, લેબનોન, લિથુનીયા, મલેશિયા, માલ્ટા, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ, ન્યુઝિલેન્ડ, પોલેન્ડ, રશિયા જેવા દેશના પતંગબાજો આવ્યાં હતાં. ગુજરાતના અમદાવાદ જ નહી પણ અન્ય શહેરોમાં પતંગોત્સવ ઉજવાય છે, અને વિદેશી પતંગબાજો ભાગ લે છે. તેની સાથે વિદેશી પતંગબાજો ગુજરાતી ભોજનની થાળીનો આનંદ પણ લે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સવોને કારણે ગુજરાતી ઢોકળાં, થેપલા અને ફાફડા વિદેશમાં ગયાં છે અને હજી પણ વિદેશીઓ ગુજરાતી સ્વાદને ત્યાં બેઠાં માણે છે.
6-અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad-Mumbai Bullet Train Project)
ભારત જેવા પ્રગતિશીલ રાષ્ટ્ર માટે સંશાધનોના સમુચિત ઉપયોગ માટે રેલવે જેવા વિશાળ માળખાંનો વિકાસ સમયની માગ પ્રમાણે બનવો જોઇએ તે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પરદેશમાં તેમણે કરેલી યાત્રાઓ દરમિયાન જોઇ લીધું હતું. આમ તો આપણે ત્યાં 160-180 કિલોમીટરની ઝડપે પણ ગાડી દોડે તો લોકો અહોભાવથી જોઇ રહે છે તો કલાકના 500 કિલીમીટરની ઝડપે દોડતી વિદેશી બૂલેટ ટ્રેન જેવી ટ્રેન આપણાં રાજ્યમાં હોય તો તેવા પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ જ કહી શકાયને ? દેશના વિકાસમાં, અર્થતંત્રમાં મોટો ફાળો આપતાં ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે ઝડપી પરિવહનના એક માર્ગ તરીકેની જરુરિયાત જોઇએ તો આવો પ્રોજેક્ટ ઘણો પહેલાં થવો જોઇતો હતો, એમ પણ ઘણાંને લાગી શકે છે.
જો કે, અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જ્યાં જમીન સંપાદનની પણ મોટી સમસ્યાઓ છે ત્યારે આ પ્રોજેક્ટ મોદીના અન્ય પ્રોજેક્ટ કરતાં ધીમી ગતિએ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના આરંભની વાત સ્મરણ કરીએ તો 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેની હાજરીમાં સપ્ટેમ્બર મહિનામાં કર્યો હતો. તેમાં નિર્ણાયક ગતિ આવી આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે રચાયેલા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન- NHSRCL થકી. 480 કિમીના પટ્ટામાં ડક્ટ અને દરિયાની નીચે પણ સાત કિલોમીટરની લાઈન નખાશે.
આ યોજનામાં 26 કિમી લાંબી સુરંગ, 27 લોખંડના બનેલાં બ્રિજ, 12 સ્ટેશન બનવાનાં છે. લગભગ 75 લાખ ટન સિમેન્ટનો વપરાશ અને 21 લાખ ટન સ્ટીલનો વપરાશ થશે. એક લાખ કરોડ રુપિયાના પ્રારંભિક અંદાજખર્ચ સાથે શરુ થઈ ગયેલો આ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે કે, 90,000 રોજગારીનું પણ સર્જન કરશે. પ્રોજેક્ટ નિર્માણમાં 51,000થી વધુ ટેકનિશિયન અને કુશળ-અકુશળ કામદારો જોડાશે. જેઓને તાલીમ પણ આપવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રની નવી સરકારનું વલણ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જમીન આપવાનો નનૈયો ભણતાં ખેડૂતોને વળતરનો પ્રશ્ન હાલ તો અધ્ધરમાં છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના લીધેલાં પ્રોજેક્ટને પૂર્ણ કરી તેનું લોકાર્પણ પણ તે જ કરે છે તેવી વાત જનસંબોધનોમાં અવારનવાર કરી ચૂક્યાં છે તો આ પ્રોજેક્ટમાં પણ નોંધપાત્ર કામ 2023 સુધીમાં થઈ જશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
7-કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishwanath Corridor)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો સંસદીય વિસ્તાર વારાણસી છે, તેમણે ત્યાં કાશી વિશ્વનાથ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે. 25,000 સ્કેવર ફૂટમાં આ કોરિડોર બની રહ્યો છે. વિશ્વનાથ મંદિર, મણિકર્ણિકા ઘાટ અને લલિતા ઘાટ વચ્ચે કોરિડોર બની રહ્યો છે. જેમાં ફૂડ સ્ટ્રીટ, રીવરફ્રન્ટ સહિત બનારસના ટૂંકા રસ્તાઓને પહોળા કરવાના કામ છે. કોરિડોરમાં આવતાં મંદિરો રસ્તાઓ સહિત ઘણી ઈમારતોની સજાવટ કરાઈ છે. આ ઉપરાંત અહીં ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવી રહી છે.
હાલની વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી (PM Narendra Modi in Varanasi) પહોંચીને કાશીવાસીઓને 1500 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે ગંગામાં રો-રો સર્વિસની પણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, કોરોના 100 વર્ષમાં સૌથી મોટી આપત્તિ છે, પરંતુ કાશી (Kashi)એ દર્શાવી દીધું કે તે અટકતું નથી. આપ સૌ લોકોએ સ્થિતિને સંભાળી. ઉત્તર પ્રદેશ સરકાર (UP Government)એ કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ને રોકવા અને વેક્સિનેશન પર અભૂતપૂર્વ કામ કર્યું છે. પોતાના પ્રયાસોમાં કોઈ કસર રાખી નથી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું છે.