અયોધ્યાઃ રામ મંદિરનું નિર્મામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરની આસપાસ વિકાસકાર્યો પણ થઈ રહ્યા છે. આ વિકાસકાર્યો માટે રામ મંદિરની આસપાસની જમીનનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે. જો કે આ જમીન અધિગ્રહણનો સ્થાનિક સંતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના પડઘા કેન્દ્ર સરકાર સુધી પડ્યા છે. તેથી જ સાધુ સંતોની નારાજગીને જિલ્લા પ્રશાસને ગંભીરતાથી લીધી છે. ગુરુવારની સાંજે અયોધ્યાના રામ કથા સંગ્રહાલય સભાગારમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ અને સાધુ સંતોના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હાજર રહ્યા હતા. ડિએમ દ્વારા સાધુ સંતોને હૈયાધારણ આપવામાં આવી છે. જિલ્લા પ્રશાસને સાધુ સંતોને સહમતિથી જ જમીન અધિગ્રહણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
વિવિધ વિકાસકાર્યોઃ રામ મંદિરની આસપાસ અનેક વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં માર્ગોને પહોળા કરવા, યાત્રી સુવિધા કેન્દ્ર, પાર્કિંગ પ્લોટ્સ, યાત્રી નિવાસ સ્થાન વગેરેનો સમાવેશ થાય છે. અયોધ્યામાં મોટા ભાગની જમીન વિવિધ મંદિરો તેમજ આશ્રમોની છે. તેથી આ વિકાસકાર્યો કરવા માટે મંદિર તેમજ આશ્રમની જમીનનું અધિગ્રહણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનો સાધુ સંતોએ વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધને શાંત કરવા જિલ્લા અધિકારી નીતિશકુમારની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.