નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં સંયુક્ત રીતે 150 થી વધુ જાહેર સભાઓ અને રોડ શો કર્યા. સૌથી જૂની પાર્ટીનો જાદુ અને ગેરંટી ત્રણ રાજ્યોમાં તેની તરફેણમાં કોઈ ફેરફાર લાવી શકી નથી.
150થી વધુ સભાઓ અને રોડ શો:
કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર આ વર્ષે 22 ઓગસ્ટથી 81 વર્ષીય ખડગેએ તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીના મેનિફેસ્ટોને લોન્ચ કરવા માટે 42 જાહેર સભાઓ અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાંના એક રાહુલ ગાંધીએ 5 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં પાંચ રાજ્યોમાં લગભગ 64 જાહેર સભાઓ, પદયાત્રાઓ, રોડ શો અને લોકો સાથે જાહેર સંવાદ કર્યો છે. તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ 44 જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને પાંચ રાજ્યોમાં રોડ શો કર્યા હતા.
આ ત્રણેય નેતાઓએ તેલંગાણામાં વધુમાં વધુ 55 જાહેર સભાઓને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ દક્ષિણ રાજ્યમાં 26 જાહેર સભાઓ અને રોડ શોને સંબોધિત કર્યા, જ્યારે તેમની બહેને રાજ્યમાં 16 જાહેર સભાઓને સંબોધી અને ખડગેએ 13 જાહેર સભાઓને સંબોધી હતી. જ્યારે મધ્ય પ્રદેશમાં આ ત્રણેય નેતાઓએ 34 રેલીઓને સંબોધી, રાજસ્થાનમાં તેઓએ 29 જાહેર સભાઓ અને છત્તીસગઢમાં 28 રેલીઓને સંબોધી. કોંગ્રેસ નેતાઓએ પોતાની રેલીઓ દ્વારા ભાજપ પર સીધા પ્રહારો કર્યા અને અનેક મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું.