- અનિલ દેશમુખ પાસેથી ગૃહપ્રધાનના પદ માટે રાજીનામું લેવામાં આવશે નહીં
- પવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી
- શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકાર વતી ડેમેજ કંટ્રોલની કમાન સંભાળી હતી
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા સચિન વાજેને સો કરોડ રૂપિયા એકત્રિત કરવા કહ્યું હોવાનો આરોપ લગાવ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સરકાર વતી ડેમેજ કંટ્રોલની કમાન સંભાળી હતી. આ કિસ્સામાં, પવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અનિલ દેશમુખ પાસેથી ગૃહપ્રધાનના પદ માટે રાજીનામું લેવામાં આવશે નહીં.
શરદ પવારે શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત સાથે પણ મુલાકાત કરી
બેઠક બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જયંત પાટીલે કહ્યું કે, અનિલ દેશમુખના રાજીનામાનો કોઈ સવાલ નથી. તેમણે કહ્યું કે, ATS(એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન કેસ)ની તપાસ ચાલી રહી છે અને અમને ખાતરી છે કે દોષીઓને સજા થશે. શરદ પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને NCPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલને રવિવારે સાંજે તેમના નિવાસસ્થાન ખાતે બોલાવ્યા છે. મહારાષ્ટ્રની ઘટનાઓ અંગે શરદ પવારે શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત સાથે પણ મુલાકાત કરી હતી.