નવી દિલ્હી : રાજધાની દિલ્હીના પ્રખ્યાત કાંઝાવાલા હિટ એન્ડ ડ્રેગ કેસમાં ગુરુવારે રોહિણી કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ચારેય આરોપીઓ સામે આરોપો ઘડતી વખતે કોર્ટે કહ્યું કે, તેમની સામે હત્યાનો કેસ ચલાવવામાં આવશે. પહેલી જાન્યુઆરીના રોજ, બદમાશોએ એક યુવતીને કાર સાથે અથડાવ્યા બાદ તેને ઘણા કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી હતી. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Kanjhawala Case : દિલ્હીમાં અંજલિને કારમાંથી ખેંચી લાવનાર ચાર આરોપી સામે થશે હત્યાનો કેસ, કોર્ટનો મોટો નિર્ણય - દિલ્હી કાંઝાવાલા મૃત્યુ કેસ
દિલ્હીની એક કોર્ટે ગુરુવારે કાંઝાવાલા હિટ એન્ડ ડ્રેગ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હિટ એન્ડ ડ્રેગ કેસમાં મામલામાં ચારેય આરોપીઓ સામે હત્યાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.
આ કલમોમાં આરોપ : એડિશનલ સેશન્સ જજ નીરજ ગૌરે આરોપી મનોજ મિત્તલ, અમિત ખન્ના, કૃષ્ણા અને મિથુન વિરુદ્ધ IPC કલમ 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ કરવો), 212 (ગુનેગારને આશ્રય આપવો), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપ ઘડ્યા છે. જ્યારે કોર્ટે અન્ય ત્રણ આરોપી દીપક, આશુતોષ અને અંકુશ સામે આઈપીસીની કલમ 201, 212, 182, 34 હેઠળ આરોપો ઘડ્યા છે. આ સાથે કોર્ટે આ ત્રણેયને આઈપીસીની કલમ 120બીમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. હવે કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 14 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
શું હતો મામલો : મહત્વની વાત એ છે કે, દિલ્હી પોલીસે 1 એપ્રિલે કાંઝાવાલા હિટ એન્ડ ડ્રેગ કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 31 ડિસેમ્બર, 2022 અને 1 જાન્યુઆરી, 2023ની વચ્ચેની રાત્રે, સુલતાનપુરી વિસ્તારમાં એક મહિલાને કાર દ્વારા કથિત રીતે ટક્કર મારવામાં આવી હતી અને આરોપીઓ તેને 13 કિલોમીટર સુધી ખેંચી ગયા હતા. આ ઘટનામાં એક યુવતીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્કૂટી પર સવાર બે યુવતીઓ નવા વર્ષની ઉજવણી કરીને રાત્રે ઘરે પરત ફરી રહી હતી.