તમિલનાડુ:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ એટલે કે મધ્ય તટીય આંધ્ર પ્રદેશ પર દરિયાકાંઠે અથડાવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચક્રવાતી તોફાન નબળું પડ્યું છે. જો કે તમિલનાડુમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે, મિચોંગ વાવાઝોડાને કારણે 8 લોકોના મોત થયા છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બંગાળની ખાડીમાં ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મિચોંગ મંગળવારે બપોરે 100 કિમીની ઝડપે આંધ્રપ્રદેશના નેલ્લોર અને કાવલી વચ્ચે બાપટલા નજીકના દરિયાકાંઠે અથડાયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મિચોંગ બપોરે 12:30 થી 2:30 વાગ્યાની વચ્ચે દરિયાકાંઠે અથડાયું હતું. ત્યારે દરિયામાં એકથી દોઢ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. તેની અસરને કારણે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો સિવાય ચેન્નાઈમાં પણ ભારે વરસાદ થયો છે.
10,000થી વધુ લોકોનું સ્થળાંતર:ચેન્નાઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. બંને રાજ્યોમાં 70થી વધુ ફ્લાઈટ્સ અને 200 જેટલી ટ્રેનો રદ કરવી પડી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 10,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 29 ટીમો સાથે રાજ્યની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
એર ટ્રાફિક અને રેલ સેવાઓને અસર: આંધ્રપ્રદેશના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આંધ્રમાં નેલ્લોર સૌથી વધુ પ્રભાવિત થયું છે. વિજયવાડા, તિરુપતિ અને વિશાખાપટ્ટનમમાં એર ટ્રાફિક અને રેલ સેવાઓને અસર થઈ છે. 51 ફ્લાઈટ્સ અને 100 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં પણ 20થી વધુ ફ્લાઈટ્સ અને લગભગ 100 ટ્રેનો રદ કરવામાં આવી છે. જોકે, ચેન્નાઈ એરપોર્ટ ખોલી દેવામાં આવ્યું છે. વરસાદના કારણે અહીં 21 વિમાનો અને 1500થી વધુ મુસાફરો ફસાયા હતા.
ડીએમકે સાંસદે જણાવ્યું હતું કે 411 રાહત આશ્રયસ્થાનોની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી પણ બહાર કાઢવામાં આવ્યું છે અને 60-70 ટકાથી વધુ ઘરોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
- મિચોંગ ચક્રવાતે ચેન્નાઈમાં તબાહી મચાવી, 8ના મોત, 15થી વધુ ઘાયલ
- જાણો, તબાહી મચાવી રહેલા ચક્રવાતને 'મિચોંગ' નામ કોણે આપ્યું, તેનો અર્થ શું છે?