- 16 એપ્રિલના રોજ લખનૌમાં 5,183 પોઝિટિવ કેસ નોંધાયા
- લખનૌના વિવિધ સ્મશાન ગૃહોમાં સરેરાશ 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા
- મોતના સત્તાવાર આંકડા અને સ્મશાન ગૃહોમાં થયેલા અંતિમ સંસ્કારની સંખ્યામાં તફાવત
ઉત્તર પ્રદેશ : છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું એક પ્રખ્યાત વાક્ય છે – કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લિયે, દો ગઝ ઝમીન ભી ના મીલી કુ-એ-યાર મેં. બહાદુર શાહ ઝફરે આ વાક્ય લખ્યું, ત્યારે કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે, લખનૌમાં તે વાસ્તવિકતા બની જશે. કોરોનાનું સંક્રમણ ઉત્તર પ્રદેશના પાટનગરની વ્યાપક વસ્તીને ઝડપથી તેની ભીંસમાં લઇ રહ્યું છે. ગુરુવારે 5,183 લોકો કોરોનાવાઇરસથી સંક્રમિત થયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, 26 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા હતા. જોકે, બે સ્મશાન ગૃહમાં આખી રાત મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલુ રહ્યા હતા, જ્યારે 108 મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. શહેરનાં વિવિધ સ્મશાન ગૃહોમાં સરેરાશ 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી નથી રહ્યા કે શું?
કહેવાની જરૂર નથી કે, ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહેલા મોતના આંકડા કરતાં લગભગ સાતગણા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાન ગૃહો અને કબ્રસ્તાનોમાં અંતિમક્રિયા માટે મૃતદેહોની લાંબી કતારો લોકોમાં એવી શંકા જન્માવી રહ્યા છે કે, કોરોનાના કારણે નિપજતા મોતના સત્તાવાર આંકડા સાચા છે કે નહીં. બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી નથી રહ્યા કે શું? આ કિસ્સામાં તેમની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. આ તમામ કારણોના લીધે મોતના સત્તાવાર આંકડા વાસ્તવિક સ્થિતિ કરતાં ઘણા વેગળા છે.
આ પણ વાંચો -મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી
ગુરુવારે રાત્રે શહેરના ભૈંસા કુંડ અને ગુલાલા ઘાટ ખાતે 108 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી
લખનૌ શહેરના કમિશનર અજય દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, ગત ગુરુવારે રાત્રે શહેરના ભૈંસા કુંડ અને ગુલાલા ઘાટ ખાતે 108 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્મશાન ગૃહ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્મશાન ગૃહના લોકો જણાવે છે કે, વર્તમાન સમયમાં સ્મશાન ગૃહોમાં જગ્યાના અભાવે પ્લેટફોર્મ પર તથા અન્ય ખાલી જગ્યાઓએ પણ અંતિમવિધિ કરવામાં આવે છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોની સંખ્યા વધી જવાની સાથે-સાથે કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોની લાંબી લાઇન લાગેલી છે. કબ્રસ્તાન કમિટિના ઇમામ અબ્દુલ મતીનના જણાવ્યા પ્રમાણે, લખનૌમાં નાનાં-મોટાં થઇને કુલ 100 કબ્રસ્તાન આવેલાં છે. સામાન્ય દિવસોમાં આ કબ્રસ્તાનોમાં પાંચથી છ વ્યક્તિને દફનાવવામાં આવતા હતા. વર્તમાન સમયમાં, રોજ સરેરાશ 60થી 70 મૃતદેહોને દફનાવવામાં આવે છે. સુન્નીઓ દ્વારા સંચાલિત ઐશબાગ ખાતેના કબ્રસ્તાન ખાતે તથા તાલકટોરા ખાતેના શિયાઓના કરબલા કબ્રસ્તાન ખાતે વધુ પ્રમાણમાં મૃતદેહો લઇ જવાઇ રહ્યા છે.
મૃતેહોની સંખ્યા વધતાં કબર ખોદવાના ઊંચા દામ વસૂલાય છે
ગુરુવારે શહેરના રહેવાસી અદનાન દાનિશના પિતાનું અવસાન થયું. અદનાન દાનિશ સ્વજનો સાથે તેમના પિતાની દફનવિધિ કરવા માટે ઐશબાગ કબ્રસ્તાન પહોંચ્યા. અદનાન દાનિશે જણાવ્યું હતું કે, મોતની સંખ્યામાં અચાનક થયેલા વધારાના કારણે, દફનવિધિ માટે રાહ જોવી પડે છે. કબર ખોદનારી વ્યક્તિઓ એક કબર ખોદવા બદલ રૂ. 800 વસૂલતી હતી. હવે તે લોકો એક કબર ખોદવાના રૂ. 1500થી રૂ. 2500ની માગણી કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે, જે લોકો વધુ પૈસા આપે, તેમનું કામ પહેલું કરવામાં આવે છે, જ્યારે અન્ય લોકોએ રાહ જોવી પડે છે.