નવી દિલ્હી:અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(CUET exam for admission to undergraduate courses) આજથી (15 જુલાઈ) શરૂ થઈ રહી છે. પરીક્ષા માટે દેશ-વિદેશમાં પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ દેશની બીજી સૌથી મોટી પરીક્ષા હશે. CUET માટે લગભગ 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી રહી છે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12:15 અને બીજી શિફ્ટ 3 થી 6:45 વાગ્યા સુધીની રહેશે.
વિદેશમાં પણ લેવાશે પરીક્ષા - અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે આજથી શરૂ થઈ રહેલી સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં લગભગ 14, 90, 000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં 8.10 લાખ વિદ્યાર્થીઓ અને બીજા તબક્કામાં 6.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી રહી છે, જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 15, 16, 19 અને 20 જુલાઈએ લેવામાં આવશે. બીજા તબક્કામાં 4, 5, 6, 7, 8 અને 10 ઓગસ્ટે યોજાશે. NEETની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની પરીક્ષા બીજા તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષા માટે દેશના 500 થી વધુ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે વિદેશમાં 10 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.